વોશિંગ્ટન, તા. 20 એપ્રિલ 2020, સોમવાર
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ મામલે વાકયુદ્ધ વકરી રહ્યું છે.અમેરિકા સતત આ વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીન સાથે આર-પારની લડાઈ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.તાજેતરમાં ટ્રમ્પે પોતે આ વાયરસ અંગે જાણકારી મેળવવા માટે અમેરિકી નિષ્ણાંતોની ટીમ ચીન મોકલવા માંગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
વ્હાઈટ હાઉસ ખાતે યોજાતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ટ્રમ્પે જો ચીને જાણીજોઈને આ વાયરસ ફેલાવ્યો હશે તો તેને પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી આપી હતી.ટ્રમ્પના કહેવા પ્રમાણે તેમણે અગાઉ પણ આ અંગે ચીની અધિકારીઓ સાથે વાત કરી હતી.તેમણે ચીન જઈને વુહાનમાં શું ચાલી રહ્યું છે તે જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ચીન તેમના સ્વાગત માટે તૈયાર નથી જણાઈ રહ્યું.
વધુમાં ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ ચીન સાથેની ટ્રેડ ડીલને લઈ ખુશ હતા પરંતુ જ્યારથી ચીનથી આ પ્લેગ આવ્યો છે ત્યારથી તેઓ ખુશ નથી પરંતુ ચિંતામાં છે.અમેરિકાએ પોતાની રીતે આ વાયરસના ઉદ્ભવને લઈ તપાસ શરૂ કરી દીધી છે અને તેનો જન્મ વુહાન ખાતેની લેબમાં થયો છે કે નહીં તે માટેના પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે.ટ્રમ્પે આ વાયરસનો સામનો કરવામાં શરૂઆતમાં બેઈજિંગે વોશિંગ્ટનને સહયોગ નહોતો આપ્યો અને પારદર્શિતા નહોતી દાખવી તેવી ફરિયાદ પણ કરી હતી.