જયારે એઈડસ ફેલાયો હતો ત્યારે કોઈએ કેમ અમેરિકાને સવાલ ના કર્યો?: ચીન

288

– કોરોના વાયરસ સંકટના મુદ્દે અમારા વિરુદ્ઘ કાર્યવાહીની કેમ માંગ થઈ રહી છે?

બેજિંગ, તા.૨૨: કોરોના વાયરસના મુદ્દે થઈ રહેલી ચર્ચાઓમાં હવે ચીને અમેરિકા પર જોરદાર પ્રહાર કર્યો છે.ચીને પૂછ્યું કે જયારે એચઆઈવી (એઈડ્સ) અને એચ૧એન૧ વાયરસનું કેન્દ્ર અમેરિકા રહ્યું હોવા છતાં તેના પર કોઈ દંડ લગાવવામાં આવ્યો નહોતો ત્યારે કોરોના વાયરસ સંકટના મુદ્દે અમારા વિરુદ્ઘ કાર્યવાહીની કેમ માગ થઈ રહી છે? વાત જાણે એમ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો એવી વાત જાણવા મળશે કે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ફેલાવવા માટે ચીન જવાબદાર છે અને આ વિશે ચીનને જાણકારી હતી તો તેના પરિણામ ભોગવવા પડશે.

ચીનના વિદેશ મંત્રાલયે આ મુદ્દે જવાબ આપ્યો છે.તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૯માં એચ૧એન૧ ફ્લૂની શરૂઆત થઈ અને તે દુનિયાના ૨૧૪ દેશો અને ક્ષેત્રોમાં ફેલાઈ ગયો,તેના કારણે દુનિયામાં લગભગ ૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યા.પણ કોઈએ અમેરિકા પાસે વળતરની માગ કરી? જયારે ૧૯૮૦ના દાયકામાં એચઆઈવી ફેલાયો હતો ત્યારે પણ અમેરિકા પર નિશાન સાધવામાં આવ્યું હતું અને કહ્યું કે સૌપ્રથમ એઈડ્સની શોધ વર્ષ ૧૯૮૦ના દાયકામાં અમેરિકામાં થઈ હતી અને તે પૂરી દુનિયામાં ફેલાયો.જેના કારણે દુનિયાની ચિંતામાં વધારો થયો.કેમ કોઈએ અમેરિકાને જવાબદાર ગણાવ્યું નહીં? ડિસેમ્બરમાં જયારે કોરોના વાયરસનો કેસ સામે આવ્યો ત્યારબાદ ટ્રમ્પે તેને ચીની વાયરસ ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યા હતા કે ચીને આ વાયરસને લઈને દુનિયાથી સત્ય છુપાવ્યું છે.જયારે ચીની મંત્રાલયે વર્ષ ૨૦૦૮ના વૈશ્વિક મંદી માટે પણ અમેરિકાને જવાબદાર ગણાવતા તેના પર ગંભીર સવાલ કર્યા છે.

Share Now