– નાગરવાડા,ન્યાયમંદિર,રાજમહેલ રોડ અને કારેલીબાગના એમઆઇજી ફ્લેટમાંથી આવ્યા કોરોનાના નવા દસ કેસ
વડોદરા,
બુધવારે બપોર સુધીમાં વડોદરા શહેરમાં કોરોનાના દસ નવા કેસ આવ્યા છે.જેના પગલે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાગ્રસ્તોની સંખ્યા બસો પાર કરીને ૨૦૭ પર પહોચી ગઇ છે.ગઇકાલે મંગળવારે રાત્રે કરજણ તાલુકાના મેથી ગામના એક ૬૩ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ.તેની સાથે મૃત્યુ આંક દસ પર પહોચી ગયો હતો.બીજી તરફ ગઇકાલે રાત્રી દરમિયાન ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ બિમારીમાં મોત નીપજ્યા હોવાની ઘટના બનતા રહસ્યના વમળો ઉભા થયા હતા.
આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં આજે નવા આવેલા કેસ નાગરવાડા,કારેલીબાગ,રાજમહેલ રોડ,રાવપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા છે.તેમાં પણ કારેલીબાગના નવા વિસ્તાર એવા એમઆઇજી ફ્લેટમાં રહેતી એક મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ મહિલાના પિતા અમદાવાદી પોળમાં રહેતા હતા.તેમનુ હજી થોડા દિવસ અગાઉ મૃત્યુ થયુ હતુ. જેના કારણે આ મહિલાની અમદાવાદી પોળમાં અવર જવર રહેતી હતી.અમદાવાદી પોળમાંથી આ અગાઉ પૂર્વ કાઉન્સિલરની પત્નીનો કોરોના પોઝિટિવનો કેસ આવી ચૂક્યો હતો.રેડઝોન એવા નાગરવાડા,
સૈયદપુરા,આમલીફળીયા ખાતેથી આજે પાંચ વધુ કેસ આવ્યા હતા.
વડોદરામાં સરકાર તરફથી ખાસ મૂકવામાં આવેલા ઓએસડી ડો. વિનોદ રાવ તથા સાવલી મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી ખાતે આવેલ કેજેઆઇટી કેમ્પસમાં આવેલી આર્યુવેદ હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાં કોરોના કેર સેન્ટર ઉભુ કરવાની વિચારણા કરી હતી.જેમાં લગભગ સો બેડની સુવિદ્યા ઉપલબ્ધ છે.આ ઉપરાંત એલોપેથીક,આર્યુવેદ ડોક્ટરની ટીમ ઉપરાંત ઓક્સીજન અને એમ્બ્યુલન્સની ફેસીલીટી પણ ઉપલબ્ધ હોવાની ચર્ચા કેજેઆઇટીના સંચાલકોની સાથે ચર્ચા કરી હતી.