તેહરાન, તા. 22 એપ્રિલ 2020, બુધવાર
વૈશ્વિક કોરોના મહામારી અને અમેરિકા સાથે વ્યાપક તણાવના માહોલ વચ્ચે ઈરાને પોતાના એક સૈન્ય ઉપગ્રહને લોન્ચ કર્યો છે.ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડે સૈન્ય ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી.ગાર્ડના અહેવાલ પ્રમાણે અનેક અસફળતાઓ બાદ આ સૈન્ય ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરી શકાયો છે.
ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડે આ ઉપગ્રહને ‘નૂર’ નામ આપ્યું છે.ગાર્ડની સત્તાવાર જાહેરાતમાં આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 425 કિમી ઉપર કક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ વ્યાપેલો છે તેવા સમયમાં આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો છે.અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું તથા તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની પરમાણુ સમજૂતીના અંતને લઈ બંને દેશ વચ્ચે તણાવ વ્યાપેલો હતો.ત્યારે ઉપગ્રહના લોન્ચિંગ બાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં તેની પ્રતિકૂળ અસર પડશે તેવું માનવામાં આવે છે.