લિસ્ટેડ બુટલેગર વિનોદ ભૈયા ભાગી જવાના પ્રકરણમાં PSIના રાઇટર સસ્પેન્ડ

364

– તપાસ કરનાર અમલદારની સામે કોઈ પગલાં નહીં લેવાતા પોલીસ બેડામાં કચવાટ

બારડોલી,

સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાંથી 23મી એપ્રિલના રોજ લિસ્ટેડ બુટલેગર ભાગી જવાની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ માત્ર એએસઆઇ સંજય શર્માને જ સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.ગુનાની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરતાં હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી નહીં થતાં જિલ્લાના નાના પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી રહી છે.જિલ્લા પોલીસ વડાએ નાના પોલીસકર્મીને સસ્પેન્ડ કરી પીએસઆઇને બચાવી લીધા હોવાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાંથી 23મી એપ્રિલની રાત્રે વિનોદ ભૈયા નામનો લિસ્ટેડ બુટલેગર પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો.આ ઘટનામાં પોલીસ સ્ટેશનના પ્રભારી પીએસઆઇ ગોહિલ દ્વારા સમગ્ર મામલે એક નિર્દોષ જમાદાર પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પીએસઆઇ ગોહિલ પર રેન્જના એક ઉચ્ચ પોલીસ અધિકારીના આશીર્વાદ હોવાથી તે જિલ્લાના મોટા અધિકારીઓને પણ ગણકારતા ન હોવાની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં લાંબા સમયથી ચાલી આવી હતી.સીધા રેન્જના લોકો સાથે જ સંપર્કમાં રહેલા આ પીએસઆઇ તેમની ઉપરી ડીવાયએસપી,જિલ્લા પોલીસ વડાની પણ અવગણના કરતાં હોવાની અનેક વખત અધિકારીઓને પણ અનુભવ થઈ ચૂક્યો હતો.દરમ્યાન 23મીએ લિસ્ટેડ બુટલેગર ભાગી ગયા બાદ પણ આ પીએસઆઇએ જિલ્લાના ઉપરી અધિકારીઓને કે જિલ્લાની એસઓજી અને એલસીબીની ટીમને જાણ કરવાના બદલે સીધી રેન્જ ઓફિસમાં જાણ કરી હોવાની વિગતો પણ બહાર આવી છે.તેમની આવી નીતિથી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પલસાણા પીએસઆઇથી નારાજ ચાલી રહ્યા હોવાની હકીકત સામે આવી છે.સમગ્ર મામલે સ્થાનિક અધિકારીઓ અજાણ હોવા છતાં રેન્જ આઈજીની ટીમ કઈ રીતે તાત્કાલિક તપાસમાં આવી પહોંચી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પલસાણા પોલીસ સ્ટેશનમાં વિનોદ ભૈયાને કોના ઇશારે વીઆઇપી ટ્રીટમેન્ટ અપાતી હતી?

પલસાણા પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ આરોપી વિનોદ ભૈયાને વીઆઇપી ટ્રીટમેન્ટ આવી રહી હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં ચાલી રહી છે. મોબાઇલ ફોનથી લઈ અન્ય સુવિધાઑ તેને પોલીસ સ્ટેશનમાં કોના ઇશારે આપવામાં આવતી હતી તે પણ એક તપાસનો વિષય બન્યો છે.નાના પોલીસકર્મીઓનો ભોગ લેવા ટેવાયેલા ઉચ્ચ અધિકારીઓ તપાસકર્તા અમલદારની પણ કોઈ જવાબદારી ફિક્સ કરશે કે માત્ર રાઇટર તરીકે કામ કરનાર જમાદારનો ભોગ લઈ સમગ્ર મામલાનું ફીંડલું વાળી દેશે તે જોવું રહ્યું

Share Now