ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે 28 હજારને પાર થઇ ગયો છે.ભારતમાં કોરોનાના કુલ કેસના 40.48 ટકા તો માત્ર મહારાષ્ટ્ર-ગુજરાતમાંથી જ નોંધાયા છે.દેશના જે પણ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેના ટોપ-10માં હવે ગુજરાતમાંથી અમદાવાદ ઉપરાંત સુરતનો પણ સમાવેશ થઇ ગયો છે.
કયા જિલ્લાઓ મોખરે ?
દેશના જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મુંબઇ 5407 સાથે મોખરે, અમદાવાદ 2181 સાથે બીજા,ઇન્દોર 1176સાથે ત્રીજા જ્યારે પૂણે 1052 સાથે ચોથા સ્થાને છે. આમ, દેશના ચાર જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1 હજારને પાર થયો છે.આ સિવાય જયપુર 827 કેસ સાથે પાંચમાં, થાણે 738 કેસ સાથે છઠ્ઠા,ચેન્નાઇ 528 સાથે સાતમાં, સુરત 526 સાથે આઠમાં જ્યારે ભોપાલ 415 સાથે નવમાં સ્થાને છે.
3 જિલ્લા કોરોના ‘શૂન્ય’
ગુજરાતમાં કોરોના કુલ જે કેસ નોંધાયા છે તેમાંથી 65 ટકા અમદાવાદમાં, 16 ટકા સુરતમાં, 8 ટકા વડોદરામાં નોંધાયા છે.આમ ગુજરાતના મહાનગરોમાં જ કેસનું પ્રમાણ વધુ છે. હજુ અમરેલી-દેવભૂમિ દ્વારકા-જૂનાગઢ એમ 3 જિલ્લામાં કોરાનાનો પગપેસારો થયો નથી.
કપરી સ્થિતિ અમેરિકાની
દુનિયામાં કોરોનાના કેસ 29.94 લાખને પાર થયા છે.તો અત્યાર સુધીમાં 2.06 લાખ લોકોના મોત થયા છે.દુનિયામાં સૌથી કપરી સ્થિતિ અમેરિકાની છે.અમેરિકામાં કોરોનાથી 55 હજારથી વધારે લોકોના મોત થયા છે.અમેરિકા બાદ ઈટાલીમાં કોરોનાએ કેર મચાવ્યો છે.ઈટાલીમાં મૃત્યુઆંક 26 હજારથી વધારે થયો છે.ઈટાલી બાદ સ્પેનમાં કોરોનાના કેસ વધ્યા છે,સ્પેનમાં કોરોનાના કેસ 2.26 લાખ થયા છે.તો 23 હજાર 190 લોકોના મોત થયા છે.તો બીજી તરફ બ્રિટનના પીએમ બોરિસ જોનસન આજે પોતાની ઓફિસમાં કામ પર પરત ફર્યા છે.તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો જે બાદ તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા.હવે તેઓ સાજા થતા ફરીવાર પોતાની ઓફિસમાં કામ માટે આવ્યા છે.