ર૦ લાખનું લાંચ પ્રકરણઃ મનસુખ શાહનું નામ ચાર્જશીટમાં યથાવત રાખવા સુપ્રિમ કોર્ટનો આદેશ

329

– જયાંથી કરોડોની રકમના ૧૦૨ ચેક મળેલા તેવા સમગ્ર દેશમાં ચકચારી બનેલ વડોદરા પંથકના મેરીટ વગરના વિદ્યાર્થીઓને મેડીકલમાં એડમીશન આપવાના સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક પ્રમુખના મામલામાં હાઇકોર્ટનો હુકમ અમાન્ય : સરકારી હોદ્દો ન હોય, જાહેર સેવકની વ્યાખ્યામાં ન આવે તેવા હાઇકોર્ટના મંતવ્યથી સુપ્રિમ કોર્ટની ખંડપીઠ સહમત ન થઇ

સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર વડોદરા પંથકની મેડીકલ ક્ષેત્રના સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રમુખ મનસુખભાઇ શાહના રૂ.ર૦ લાખની લાંચ લેવાના મામલામાં સુપ્રિમ કોર્ટે આરોપીને ઝટકો આપતું જજમેન્ટ આપી મનસુખ શાહનું નામ ચાર્જશીટમાંથી રદ કરવાના હાઇકોર્ટના હુકમને અમાન્ય રાખી તેમનું નામ ચાર્જશીટમાં યથાવત રાખી તાકીદે કેસ ચલાવવા આદેશ આપતા જ એસીબીનો ઐેતિહાસિક વિજય થયો છે.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે આ જજમેન્ટથી એસીબી અફસરોમાં નવુ જોમ આવશે અને વધુને વધુ મોટા માથાઓ સામેની કાર્યવાહીમાં ગતી આવશે.તેઓએ જણાવેલ કે જજમેન્ટનો દિવસ ફકત એસીબી માટે જ નહિ પરંતુ જે યુવાનો દેશને કરપ્શન ફ્રી જોવા માંગે છે.તેમનું સ્વપ્નું પણ સાકાર થતું તેઓને નજરે પડી રહયું છે.યાદ રહે કે ગુજરાત હાઇકોર્ટનો વર્ષ ર૦૧૮નો ચુકાદો અમાન્ય રાખતા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એન.વી.રામન્ના,જસ્ટીસ મોહન એમ.શાંતનાગોદર અને જસ્ટીસ અજય રસ્તોગીની ખંડપીઠે જાહેર સેવકની વ્યાખ્યા સ્પષ્ટ કરતા એવુ અવલોકન કરેલ કે મનસુખ શાહ પાસે કોઇ સરકારી હોદો ન હોવાથી તેમના વિરૂધ્ધ લાંચ રૂશ્વતની ફરીયાદ ન થઇ શકે તેવું હાઇકોર્ટનું મુલ્યાંકન વ્યાજબી નથી.અત્રે યાદ રહે કે મેરીટ વિરૂધ્ધ મેડીકલમાં એડમીશન આપવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ર૦ લાખની લાંચ લેવાના મામલામાં એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ એસીબીએ તેમની ધરપકડ કરતા સન્નાટો મચી ગયો હતો.એસીબીની તપાસ દરમિયાન ૧૦૦ થી વધુ રકમના કરોડોની રકમના ચેક પણ જે તે સમયે મળી આવ્યા હતા.

.

Share Now