– વડોદરાના પંદર વધુ વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ : નવા બજારમાં વધુ એક સીત્તેર વર્ષના વૃધ્ધનું થયુ મોત
વડોદરા,
વડોદરાના રેડઝાન નાગરવાડા વિસ્તારમાંથી કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યુ હતુ. રમઝાનમાં શહેરી બાદ નાગરવાડાના કાસમઆલા મસ્જીદ પાસે વળેલા ટોળા વિખેરવા માટે પહોચેલી પોલીસ પર પથ્થરમારો કરતા ઝડપાયેલા દસ પૈકીના પાંચને કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેને મળીને કુલ પંદર નવા કોરોનાના કેસ આજે વડોદરામાં નોંધાયા હતી. તેની સાથે વડોદરામાં કોરોનાગ્રસ્તનો આંકડો ૨૬૩ પર પહોચી ગયો હતો.જ્યારે એક નવા બજાર વિસ્તારના કોરોનાગ્રસ્ત વૃધ્ધનું મોત નીપજ્યુ હતુ.જેના પગલે વડોદરામાં અત્યારસુધી કોરના વાઇરસથી ૧૫ લોકોના મૃત્યુ થયા હતા.
વડોદરાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા બજાર મરાઠી મહોલ્લાના ૭૦ વર્ષીય વ્યક્તિનું કોરોના વાઈરસથી સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.આ નવા બજાર વિસ્તારમાંથી અગાઉ ગરબા ગાયિકાનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયુ હતુ.
દંતેશ્વરમાંથી દર્દીને મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
વડોદરામાં કોરોના પોઝિટવના પંદર નવા કેસ આવ્યા હતા.જેમાં પોલીસ પર પથ્થરમારો કરનારા નાગરવાડાના વિસ્તારના દસ આરોપી પૈકી પાંચ આરોપીના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આમ નાગરવાડા વિસ્તારમાંથી આજે નવ પોઝિટિવ કેસ આવ્યા હતા.જ્યારે વાડી, યાકુતપુરા, મોગલવાડા, દંતેશ્વર તથા નવાબજાર વિસ્તારમાંથી કેસ આવ્યા હતા.તેની સાથે અત્યાર સુધી કોરોના વાઈરસના ૨૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. પથ્થરમારો કરનાર તોફાનીઓની સાથે સંપર્કમાં આવેલ એક પીએસઆઇ સહિત પાંચ પોલીસ મેનને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.કારેલીબાગ અનાવિલ ભવન ખાતે આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાન્ચમાં કોરોનાગ્રસ્ત દર્દીની અવરજવર રહી હોવાનું બહાર આવતાં છ મે સુધી બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત સ્ટાફને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો.