
– ડેટ ટુ જીડીપી રેશિયો 77 ટકા થઈ જવાની ધારણાઃ રેટિંગ એજન્સી
નવી દિલ્હી,
ફિચ રેટિંગ્સે મંગળવારે કહ્યું હતું કે જો ભારતની ફિસ્કલ ડેફિસિટની સ્થિતિ વધારે નબળી પડશે તો તેના સોવરેન રેટિંગ પર તેની અસર થશે. એજન્સીએ કહ્યું હતું કે લોકડાઉન લંબાવાયું છે ત્યારે સરકાર ગ્રોથ આગળ ધપાવવા માટે વધુ ફિસ્કલ પગલાં જાહેર કરે તેવી શક્યતા છે. આવા કિસ્સામાં મધ્યમ ગાળામાં તેની રાજકોષીય ખાધ(ફિસ્કલ ડેફિસિટ) વધી જશે. નબળા ગ્રોથ વચ્ચે વિવિધ રાહતોના પેકેજ આપવાથી ફિસ્કલ આઉટલૂક વધારે નબળું પડશે અને આવા સંજોગોમાં ખાધ ઘટાડવા માટે પગલાં લેવા સરકાર પાસે મર્યાદિત વિકલ્પો જ રહેશે.
તેણે કહ્યું કે કોરોના વાયરસનો કેર ઓછો થાય પછી સરકાર ફરી ફિસ્કલ પોલિસી અંગે આકરા પગલાં લે તેવી શક્યતા છે, પરંતુ ફિસ્કલ ટારગેટ પૂરા કરવાનો ભારતનો રેકોર્ડ તાજેતરના વર્ષોમાં મિશ્ર રહ્યો છે. એજન્સીના મતે ભારત સામે આરોગ્ય સહિતના જે પડકાર ઊભા છે તેવા સંજોગોમાં ફિસ્કલ ક્ષેત્રે તેની પાસે પગલાં લેવા માટે મર્યાદિત વિકલ્પો છે. સરકારનું દેવું 2019-20માં જીડીપીના 70 ટકા થઈ ગયું છે, જે ‘BBB’ રેટિંગના સરેરાશ 42 ટકા કરતાં ઘણું જ વધારે છે. તેણે ઉમેર્યું કે ભારતની વિદેશી હુંડિયામણની મજબૂત સ્થિતિ છે, જેને કારણે તેનું સોવરેન રેટિંગ જળવાઈ રહ્યું છે અને તેની ફિસ્કલ ડેફિસિટ મામલે નબળી સ્થિતિ છતાં તેને સપોર્ટ મળી રહ્યો છે.
ફિચે ઉમેર્યું કે 2020-21માં ભારતનો ડેટ ટુ જીડીપી રેશિયો 77 ટકા થવાની ધારણા છે, જે ગત ડિસેમ્બરમાં તેના અંદાજ મુજબ 71 ટકા થવાનો હતો. 2021-22માં પણ આ રેશિયો ઊંચો રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે જીડીપી ગ્રોથ નબળો રહેવાનો છે તેને ધ્યાનમાં લઈને આ અંદાજ આપવામાં આવ્યો છે. ફિચ રેટિંગ્સે અગાઉ ડિસેમ્બર 2019માં ભારતનું ‘BBB-’ રેટિંગ જાળવી રાખ્યું હતું અને સ્ટેબલ આઉટલૂક આપ્યું હતું. તેણે તાજેતરમાં જ ભારતના ચાલુ વર્ષના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને માત્ર 0.8 ટકા કર્યો હતો. કોરોના ત્રાટક્યો તે પહેલાં તેણે 5.6 ટકાનો અંદાજ આપ્યો હતો. જોકે તેણે કહ્યું છે કે 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ ફરી વધીને 6.7 ટકા થઈ જશે તેવી ધારણા છે.