– વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત પોતાના ખાસ મિત્રની પડખે ઉભો છે
નવી દિલ્હી,
રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિનને કોરોના સંક્રમિત મળી આવ્યા બાદ શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને ખૂબ જલ્દી સ્વસ્થ્ય થવા માટેની શુભેચ્છા પાઠવી છે.મોદીએ રશિયન તથા અંગ્રેજી ભાષામાં ટ્વીટ કરીને કહ્યું કે,’હું રશિયાના વડાપ્રધાન મિશુસ્તિનને ખૂબ જલ્દી સ્વસ્થ્ય થવા માટે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવું છું.અમે કોવિડ-19 વૈશ્વિક મહામારીને હરાવવા માટેના પ્રયત્નોમાં ખાસ મિત્ર રશિયાની પડખે ઉભા છે.’
રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિને ગયા ગુરૂવારે જણાવ્યું કે,મેં મારો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હવે હું સેલ્ફ આઈસોલેશનમાં રહી રહ્યો છું.એ ખૂબ જ જરૂરી છે જેથી મારા સાથી સુરક્ષિત અને સ્વસ્થ્ય રહે હું આંદ્રે બેલોસ્યોવને કાર્યકારી વડાપ્રધાન બનાવું છું.વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. રશિયામાં સતત કોરોના વાયરસનો પ્રકોપ યથાવત્ છે.
ભારત દેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે અને દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાતો જોવા મળે છે.સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 35,000ને પાર થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં 1,993 નવા પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસો 35,043 થઈ ગયા છે.એક દિવસમાં દેશમાં 73 લોકોના મોત થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ 1,147 મરણ થયા છે.