-ગવર્નરની ઓફિસમાં હથિયાર લઈને પહોંચ્યા પ્રદર્શનકારી
વોશિંગ્ટન,
અમેરિકામાં લોકડાઉનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.મિશિગનના પાટનગર લાંસિંગમાં લોકોએ લોકડાઉનની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કર્યા હતા. હજારો પ્રદર્શનકારીઓ ગવર્નરની ઓફિસ કેપિટલ બિલ્ડિંગ પર ભેગા થઈ ગયા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.કટેલાક પ્રદર્શનકારીઓની પાસે હથિયાર પણ હતા.મિશિગનના લોકો ગવર્નર ગ્રેચેન વ્હિટમરના લોકડાઉનના આદેશનો વિરોધ કરી રહ્યા છે.
ત્યાંજ સોશિયલ મીડિયા પર પ્રદર્શનના કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પ્રદર્શનકારીઓ હથિયારો સાથે જોવા મળી રહ્યા છે.ગવર્નર ગ્રેચેને કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવી દીધું હતું.જેને કારણે કેટલાક લોકો નારાજ થઈ ગયા છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, ગવર્નર જરૂર કરતા વધારે કડકાઈ કરી રહી છે.પ્રદર્શન મિશિગન યુનાઈટેડ ફોર લિબર્ટી નામના ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.
મિશિગનમાં બીજી વખત લોકડાઉન હટાવવા માટે પ્રદર્શન કરવામાં આવ્યા છે.16 એપ્રિલે પણ લગભગ 3 હજાર લોકોએ લોકડાઉન હટાવવાની માગણી સાથે પ્રદર્શન કર્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે, ત્યારે પણ કેટલાક લોકો હથિયારોની સાથે પ્રદર્શનમાં સામેલ થયા હતા. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.તેમણે ‘લિબરેટ’ મિશિગન ટ્વીટ કર્યુ હતું.