– ઓગસ્ટ સુધીમાં મૃતકોની સંખ્યા થશે ૧,૩૫,૦૦૦ : અર્થતંત્રના છોતરા નીકળી જશે
વોશિંગ્ટન તા. ૫ : અમેરિકા એવો દેશ છે જે કોરોના સંક્રમણ મોત બંને મામલે હાલમાં વિશ્વમાં ટોપ પર છે.સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખથી વધુ અને મૃતકોની સંખ્યા ૬૯ હજારથી વધુ છે અને આંકડો સતત વધતો જ જાય છે.ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પ પ્રશાસનના એક આંતરિક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનમાં દરરોજ ૨ લાખ નવા કેસ નોંધાશે.દરરોજ ૨ લાખ નવા કોરોનાના કેસનું આંકલન એવા સમયે સામે આવ્યું છે.જ્યારે અમેરિકામાં લોકડાઉનમાં છૂટ આપવી પડશે.ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉન હટાવાની વાત જોરશોરથી કરી રહ્યા છે અને આ મુદ્દા પર વિરોધ કરી રહેલા લોકોને પણ તેઓ સમર્થન આપી રહ્યા છે.ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ ટ્રમ્પ પ્રશાસનના આંતરિક રિપોર્ટમાંથી માલુમ પડયું છે કે ૧ જૂન સુધીમાં કોરોનાથી રોજ થતા મૃત્યુનો આંકડો ૩ હજારે પહોંચશે.હાલમાં અંદાજે રોજ ૧૭૫૦ના મોત થઇ રહ્યા છે.અમેરિકાની ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના આંકડા આધારે આંકલન કરવામાં આવ્યું છે કે,હાલમાં અમેરિકામાં રોજ અંદાજે ૨૫ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે પરંતુ જૂનમાંથી રોજ ૨ લાખ થશે.બીજી બાજુ,યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનો અંદાજ છે કે ઓગષ્ટના શરૂઆત સુધી અમેરિકામાં મૃતકોની સંખ્યા ૧,૩૫,૦૦૦ સુધી પહોંચી જશે.જો કે ૧૭ એપ્રિલે તે અંદાજે ૬૦ હજારના મોત થયા હતા.ઉલ્લેખનીય છે કે ૪ મે સુધી અમેરિકામાં ૬૯ હજારથી વધુ લોકોના મોત થયા છે.૧૧ મે સુધી અમેરિકાના ૩૧ રાજ્યોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમોમાં છુટ મળવાની આશા છે.એવામાં આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાય શકે છે.