નવી દિલ્હી તા. ૬ : કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ કરી છે.આ બેઠકમાં પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ હાજર છે.આ દરમિયાન સોનિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.સોનિયા ગાંધીએ કહ્યું કે ૧૭ મે પછી શું? ૧૭ મે પછી કેવી રીતે આગળ વધાશે?મોદી સરકાર સાથે લોકડાઉન માટે આગળની રણનીતિ શું છે? રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું,’જયાં સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ આપવામાં નહીં આવે ત્યાં સુધી રાજય અને દેશ કેવી રીતે ચાલશે?’ અમારી ૧૦ હજાર કરોડની આવક થઈ છે.રાજયોએ પેકેજ માટે વડા પ્રધાનને વારંવાર વિનંતી કરી છે પરંતુ અમારી વાતની અવગણના કરવામાં આવી છે.આ તરફ પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે કહ્યું, ‘જેમ સોનિયા ગાંધી કહી રહ્યા છે,લોકડાઉન ૩.૦ પછી શું? અમે એ પણ જાણવા માંગીએ છીએ કે સરકારની આગળની યોજના શું છે.લોકડાઉનના ત્રીજા તબક્કા પછી રાજયોના મુખ્યમંત્રીઓને વ્યૂહરચના જણાવવી જોઈએ.’પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે લોકડાઉન અંગે કેન્દ્રના વલણની ટીકા કરી હતી.તેમણે કહ્યું કે અમે બે સમિતિઓની રચના કરી છે,એક લોકડાઉન માટે એકિઝટ પ્લાન માટે અને બીજી આર્થિક પુનરુત્થાનની વ્યૂહરચના માટે.દિલ્હીના લોકો મીટીંગ કર્યા વિના ઝોનનું વર્ગીકરણ કરવાનું નક્કી કરી રહ્યા છે.પંજાબની જેમ પુડુચેરીએ પણ ઝોનના વર્ગીકરણ અંગે વાંધો ઉઠાવ્યો છે.મુખ્યમંત્રી નારાયણ સામીએ કહ્યું,’ભારત સરકાર રાજય સરકારોની સલાહ વિના ઝોનનું વર્ગીકરણ કરી રહી છે દિલ્હીમાં બેઠેલા લોકો રાજયોની સ્થિતિ જાણી શકતા નથી.કોઈ પણ રાજય કે મુખ્ય પ્રધાનની સલાહ ઝોન શેરિંગમાં નથી.’