સુરતમાં શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ કિંમત કરતા વધારે કિંમતમાં ટ્રેનની ટિકિટ વેચી રહ્યા છે. સુરતના આવા જ એક કિસ્સામાં લિંબાયત વિસ્તારના ભાજપના એક કાર્યકરોએ શ્રમિકો પાસેથી ટિકિટના પૈસા ઉઘરાવી લીધા બાદ ટિકિટ અન્ય લોકોને વેચી દીધાનો આક્ષેપ થયો છે.જે વ્યક્તિએ ટિકિટ માટે પૈસા આપ્યા હતા તેણે ટિકિટ માંગતા ભાજપના કાર્યકરે તેના પર હુમલો કરી દીધો હતો.આ મામલે શ્રમિકે વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે શ્રમિકના માથામાંથી લોહી નીકળી રહ્યું છે.
સુરતના લિંબાયત વિસ્તારથી ઝારખંડ જવા માટે ભાજપે રાજેશ વર્મા નામના વ્યક્તિને કામ સોંપ્યું છે. ભાજપના રાજેશ વર્માને શ્રમિક વાસુદેવે તારીખ 5મેના રોજ 100 લોકોની ટિકિટ પેટે રૂ.1.16 લાખ ચૂકવ્યા હતા. આ સમયે રાજેશ વર્માએ વાસુદેવને છઠ્ઠી મેના રોજ ટિકિટ લઈ જવાનું કહ્યું હતું. જોકે, ટિકિટ ન મળતા વાસુદેવે સાતમી મેના રોજ રાજેશ વર્માને ઘરે ગયો હતો અને ટિકિટની માંગણી કરી હતી.આ સમયે ભાજપના કાર્યકરે ટિકિટ આપવાને બદલે તેના માથામાં લાકડાનો ફટકો મારીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. વાસુદેવે વીડિયો વાયરલ કર્યો
સુત્રોએ જણાવ્યુ હતુ, રાજેશ વર્માએ ટિકિટના પૈસા ઉઘરાવ્યા બાદ ટિકિટ લઈને કાળા બજારમાં બીજા લોકોને વેચી દીધી છે. તેના આક્ષેપ પ્રમાણે એક ટિકિટ બે હજાર રૂપિયામાં વેચવામાં આવી છે.પોલીસ સમક્ષ ટોળાએ આક્ષેપ લાગવ્યો હતો કે રાજેશ વર્માએ પૈસા લઈને ટિકિટ આપી નથી.જે બાદમાં પોલીસે ટ્રેનની વ્યવસ્થા અને પૈસા પરત અપાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાડે પડ્યો હતો.