બારડોલી :
બારડોલીમાં અમદાવાદથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને તેની પુત્રી સહિત પાંચ વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તેમની સામે જાહેરનામા ભંગ અને એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર લોકડાઉન 1 પહેલા અમદાવાદ પોતાના ભાઈના ત્યાં પુત્રી સાયમા સાથે ગયેલી બારડોલીના તાઈવાડની મહિલા સમિરા હુસેન મન્સૂરી (49)નો રિપોર્ટ શનિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો.તેણી પોતાની પુત્રી સાથે 7મીએ મેના રોજ બારડોલી આવી હતી.બારડોલી આવવા માટે તેણીએ તેના સબંધી મકસૂદ ઈસ્માઈલ મન્સૂરીનો સંપર્ક કર્યો હતો.મકસુદે તેના નૂરનગરમાં રહેતા મિત્ર ઇરફાન સલિમનો સંપર્ક કરતાં ઇરફાને રાજસ્થાન પેસેંજર મૂકવા ગયેલ તેના મિત્ર જાવેદખાનનો સંપર્ક કરી સમિરા અને તેની પુત્રીને અમદાવાદથી ગાડીમાં લઈ આવવાનું કહ્યું હતું.આથી જાવેદખાન બંનેને અમદાવાદથી પોતની ઇનોવા કારમાં કડોદરા લઈ આવ્યો હતો.જ્યાંથી મકસૂદ પોતાની કાર લઈને બંનેને બારડોલી લઈ આવ્યો હતો. ઉપરોક્ત પાંચેય જણાએ હાલની વૈશ્વિક બીમારી કોરોના વાઇરસનો ફેલાવો થાય તેવી સંભાવના હોવા છતાં પોતાની કાયદેસરની જવાબદારી અને ફરજમાં ચૂક કરી ગુજરાત સરકારના જાહેરનામાનો ભંગ કર્યો હતો.આથી બારડોલી અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ભીખમચંદ્ર રમેશચંદ્ર શાહે પાંચેય વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે