– રોષે ભરાયેલા લોકોએ જૈન બેકરીનો સામાજીક બહિષ્કાર કરવા આહ્લાન કર્યું
નવી દિલ્હી, તા. 10 મે 2020, રવિવાર
કોરોના મહામારીના પ્રભાવ વચ્ચે ભારતમાં બિનજરૂરી સાંપ્રદાયિક ધૃણા પણ વધી રહી છે.આવી જ એક ઘટના ચેન્નાઈના ટી નગરથી જૈન બેકર્સ એન્ડ કન્ફેક્શનરીઝની સામે આવી છે.આ બેકરીના માલિકે વ્હોટ્સએપ પોસ્ટરમાં ખુલ્લેઆમ મુસ્લિમોને બદનામ કર્યા હતા.તેણે પોતાના પોસ્ટરમાં લખ્યું હતું કે, બેકરીમાં ભોજન ‘જૈનો દ્વારા બનાવાયું છે અને તેને બનાવવામાં કોઈ મુસ્લિમ કર્મચારી નહોતો.’
જૈન બેકરી એન્ડ કન્ફેક્શનરીઝે એક વ્હોટ્સએપ વિજ્ઞાપનમાં આવો પ્રચાર કર્યો હતો અને પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસે બેકરીના માલિક પ્રશાંતની ધરપકડ કરી લીધી હતી.પ્રશાંત વિરૂદ્ધ આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.રોષે ભરાયેલા લોકોએ સોશિયલ મીડિયામાં આ બેકરીનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે, ‘આપણે બધાએ એકજૂથ થઈને મુસ્લિમો વિરૂદ્ધ દેખાડવામાં આવેલા જાહેર સાંપ્રદાયિક પૂર્વાગ્રહ મામલે જૈન બેકરી એન્ડ કન્ફેક્શનરીઝનો સામાજીક બહિષ્કાર કરવો જોઈએ.’