
નવી દિલ્હી,તા.૧૧: ઔદ્યોગિક હબ ધરાવતાં રાજ્યો ટૂંક સમયમાં ઉદ્યોગો અને એસ્ટાબ્લિશમેન્ટને મહત્વની એડ્વાઇઝરી જારી કરે તેવી શકયતા છે.જેમાં ફરજ પર પરત ન આવનારા કામદારોનાં વેતન કાપવાની અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે.બિન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા શ્રમિકોને આ સૂચના અસર કરશે.ગુજરાત,મધ્યપ્રદેશ,કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવા ઔદ્યોગિક રાજ્યોના શ્રમ વિભાગોએ જણાવ્યું ફરીથી કામ પર આવે તે માટે ઉદ્યોગોને આવી એડવાઇઝરી આપવા ઉચ્ચ સ્તરેથી વિચારણા ચાલુ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારે અગાઉ માર્ચ અને એપ્રિલમાં આપેલી એડ્વાઇઝરી કરતાં આ અલગ હશે.
અગાઉ કારખાનાઓને સૂચના આપવામાં આવી હતી કે લોકડાઉન દરમિયાન કામ પર ન આવી શકનાર કામદારોના પગાર કાપવામાં ન આવે અને તેમને જોબ પરથી દૂર ન કરાય તે સમયે ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ ઉદ્યોગોને નોટિસ પણ આપી હતી અને કામદારોની છટણી કરનાર કે પગાર કાપનારને દંડ કરવાની અને તેમને એક વર્ષ માટે જેલમાં પૂરવાની ધમકી પણ આપી હતી.ગુજરાતના શ્રમ વિભાગના એક અધિકારીએ કહ્યું કે,આ અંગે એક આંતરિક ચર્ચા થઇ રહી છે.૧૭ મે પછી લોકડાઉન લંબાવવામાં નહીં આવે તો નિર્ણય લેવાશે.