– મિયાંદાદે કહ્યું- એક બેંક એકાઉન્ટ ખોલાવી રહ્યો છું, દર મહિને દાન કરે
ઈસ્લામાબાદ : પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પાકિસ્તાનના દેવાની ચૂકવણી માટે એક બેંક એકાઉન્ટ ખોલવાનો નિર્ણય લીધો છે.મિયાંદાદે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે.મિયાંદાદે દાવો કર્યો છે કે તેઓ આ એકાઉન્ટમાં જે દાન આવશે તેનાથી આઈએમએફના દેવાની ચૂકવણી કરશે.
વીડિયોમાં મિયાંદાદે પ્રત્યેક પાકિસ્તાની, જેમાં દેશના લૂંટનારા ભ્રષ્ટ પાકિસ્તાની પણ સામેલ છે તેમને આ કેમ્પઈન હેઠળ દાન આપવાની અપીલ કરી છે. ભૂતપૂર્વ ક્રિકેટરે જણાવ્યું છે કે, તેઓ ભીખ માગી રહ્યા છે પરંતુ પોતાના માટે નહીં,દેશ માટે.તેમણે જણાવ્યું કે,તેઓ વહેલી તકે નેશનલ બેંક ઓફ પાકિસ્તાનમાં એક એકાઉન્ટ ખોલાવશે જેમાં લોકો નાણાં જમા કરાવી શકશે.મિયાંદાદે જણાવ્યું કે,હું એક આંતરરાષ્ટ્રીય બેંક એકાઉન્ટ ખોલાવીશ.જે હું પોતાના નામે ખોલાવીશ અને એકપણ રૂપિયાનો ઉપયોગ ખોટી જગ્યાએ કરવામાં આવશે નહીં.આ નાણાંથી હું આઈએમએફના દેવાની ચૂકવણી કરીશ.
મિયાંદાદે વિદેશમાં વસવાટ કરી રહેલા પાકિસ્તાનીઓને જણાવ્યું કે,હું તમને નાણાં આપવા માટે અપીલ કરું છું.તમે એક ડોલર,બે ડોલર,100 ડોલર મહિને જેટલા પણ થઈ શકે તેટલા જમાં કરાવો.જેથી પાકિસ્તાનના દેવાની ચૂકવણી કરી શકાય.તેમણે વધુમાં જણાવ્યું કે,પાકિસ્તાનના દેવાની ચૂકવણી કરવી ખૂબ જરૂરી છે.પહેલા પણ ડેમ માટે નાણાં ભેગા કરાયા છે અને આવામાં પાકિસ્તાનનું દેવું ઉતારવા માટે પણ ફડિંગ કામ આવી શકે છે.તેમણે જણાવ્યું કે,હું ભીખ માગી રહ્યો છું મારા માટે નહીં પરંતુ દેશ માટે.મિયાંદાદને લાગે છે કે જો પાકિસ્તાન વધારે લોન લેવા જશે તો લોનની શરત એટલી કડક થઈ ગઈ છે કે હવે પાકિસ્તાનનો ન્યૂક્લિઅર પાવરનો દરજ્જો છીનવામાં આવશે.