11 મે 1951નાં રોજ સમય અંદાજીત સવારના 09.46 વાગે દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સરદાર વલ્લ્ભભાઈનાં સંકલ્પ દ્વારા પુનઃ નિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જેને આજે 70 વર્ષ પુર્ણ થયા.સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમીતે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી.તેમજ વિશ્વ કોરોનામુક્ત થાય,વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.સાંજના સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન, દીપમાળા કરવામાં આવશે.
અંદાજીત 2000 વર્ષનાં ઈતિહાસમાં સોમનાથ મંદિરે અનેક ચઢાવ ઊતાર જોયા.વિધર્મીઓ દ્વારા તેને લૂંટવાની પ્રક્રિયા સામે પૂર્ણ શ્રધ્ધાથી પુનઃનિર્માણ અને મંદિરને વધુને વધુ વિશાળ બનાવવાની ભક્તોની જીદ હંમેશા વિજયી બની છે.આજે 11 મે 2020નાં રોજ સોમનાથ રાજા સોમ (ચંન્દ્ર) દ્વારા સુર્વણથી બાંધેલ મંદિર આજે વર્ષોની યાત્રા બાદ પૂર્ણ સુર્વણમયી બની ગયું છે અને અનેક ચઢાવ ઉતાર બાદ ભક્તોની શ્રદ્ધામાં કંઈ જ ફરક નથી પડ્યો.જે વર્ષ દરમિયાન આવતા લાખો યાત્રીઓની સંખ્યા પરથી આપણને જાણવા મળે છે.