દેશવ્યાપી લોકડાઉન લંબાશે : ગુજરાતમાં મળશે છૂટછાટો

280

– દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શકયતા : જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક પ્રતિબંધો ઉઠાવાય તેવા નિર્દેશો : ગુજરાત સરકાર લોકડાઉન દરમિયાન વધુ છૂટછાટો આપશે : ચોક્કસ નિયમો હેઠળ વેપાર-ધંધા શરૂ કરવા મંજુરી આપવા તૈયારી : બજારો સવારે ૭ થી સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજુરી અપાશે : હોટસ્પોટમાં પ્રતિબંધો ચાલુ રહેશે : સરકારે ઘડયો માસ્ટર પ્લાન : એકાદ-બે દિવસમાં જાહેરાત

નવી દિલ્હી, તા. ૧૨ : ૧૭મી મે પછી લોકડાઉન ચાલુ રહે છે એ નક્કી છે.વડાપ્રધાન મોદીની વિડીયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ મળેલા નિર્દેશોથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે લોકડાઉનનો ચોથો તબક્કો પણ આવશે.જો કે વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યુ છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં લોકડાઉનની કેવી વ્યવસ્થા ઈચ્છે છે ?તેની વિગતો ૧૫મી સુધીમાં આપે.જો કે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન લંબાવવાનો વિરોધ કર્યો હતો અને જાણવા મળ્યા મુજબ ગુજરાત અલગ અલગ પ્રકારના નિયમો સાથે લોકડાઉનમાં રાહતો આપવા ગંભીરતાથી વિચારી રહી છે.

કડક નિયમો સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવા ગુજરાત સરકારે મન બનાવ્યુ છે જો કે હોટસ્પોટના વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહિ મળે.રાજ્ય સરકાર હાર્ડવેર,ઈલેકટ્રીક,બુટ-ચપ્પલ,કપડા સિમેન્ટ સહિતની દકાનો ખોલવા વિચારી રહી છે.હોટલ,રેસ્ટોરન્ટને પાર્સલ સેવાની છૂટ આપવામાં આવશે.સ્કૂલ, મોલ્સ,સિનેમા ઘરો સહિત ભીડભાડવાળા ધાર્મિક સ્થળો હજુ બંધ રહે તેવી શકયતા છે.એવુ પણ જાણવા મળે છે કે આ બધી બજારો સવારે ૭ થી સાંજના ૫ સુધી ખુલી રાખવા મંજુરી આપવામાં આવશે.સાથોસાથ એવુ પણ નક્કી થઈ રહ્યુ છે કે જો કોરોનાના કેસમાં વધારો થશે તો છૂટછાટ પાછી ખેંચાશે.કહેવાય છે કે ૧૭મી મે ના રોજ ત્રીજો તબક્કો પુરો થયા બાદ દેશભરમાં લોકડાઉન હટાવાશે નહિ.એ અલગ વાત છે કે જે રીતે પહેલાના મુકાબલે બીજા તબક્કામાં અને બીજાના મુકાબલે ત્રીજા તબક્કામાં ઢીલ અને છૂટછાટનો દાયરો વધારવામાં આવ્યો હતો.એ જ પ્રકારે ૧૭મી મે પછી ચોથા તબક્કામાં પ્રવેશ કરવા પર લોકડાઉનમાં કેટલીક વધુ ગતિવિધિઓ શરૂ કરવા પરવાનગી અપાશે.આવુ બીજા કોઈએ નહિ પરંતુ ખુદ વડાપ્રધાન મોદીએ મીટીંગ દરમિયાન જણાવ્યુ હતું.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી નિવેદન અનુસાર પીએમએ કહ્યુ કે મને દ્રઢ વિશ્વાસ છે કે લોકડાઉનના પ્રથમ ચરણમાં જે નિયમોની દરકાર હતી તે બીજા ચરણમાં જરૂરી નહોતી રહી.એ જ રીતે ત્રીજા ચરણના નિયમોની દરકાર ચોથા ચરણના લોકડાઉનમાં નહી રહે.તેમના આ નિવેદનથી સંકેત મળે છે કે લોકડાઉનની મુદત ૧૭મી મે પછી વધશે અને ૧૮મીથી લોકડાઉનો ચોથો તબક્કો શરૂ થશે.તામિલનાડુ,બિહાર સહિત કેટલાક મુખ્યમંત્રીઓએ ૩૧મી મે સુધી લોકડાઉન ચાલુ રાખવા સૂચન કર્યુ છે,તો રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોએ લોકડાઉનને ૩૧મી સુધી વધારવાનો ફેંસલો લીધો છે.દરમિયાન એક અભ્યાસમાં દાવો થયો છે કે લોકડાઉનને કારણે કેસ ઓછા થયા છે.જો લોકડાઉન ૨૪મી સુધી લંબાવાઈ તો કોરોનાના વધવાનો દર ૧થી પણ ઓછો ૦.૯૭૫ થઈ શકે છે.જો ૩૧મી સુધી લંબાવાઈ તો આ દર ૦.૯૪૫ રહેશે.આ બધુ જોતા સંભાવના છે કે લોકડાઉનનો ચોથો તબક્કો બે સપ્તાહ એટલે કે ૧૪ દિવસનો હશે જે ૩૧મી મે સુધી ચાલશે.વડાપ્રધાને મુખ્યમંત્રીઓ પાસે ૧૫મી સુધીમાં બ્લુ પ્રિન્ટ માંગી છે.દરમિયાન ગુજરાતમાં ૧૫મીથી રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ અલગ પ્રકારના નિયમો સાથે લોકડાઉન ધીમે ધીમે ખોલવાની દિશામાં સરકાર વિચારી રહી છે.આ અંગેનું એલાન એકાદ-બે દિવસમાં થશે.

Share Now