-લોકડાઉન દરમિયાન કોઇપણ મુદ્દે કરદાતાઓ સાથે સંપર્ક ન કરવા બોર્ડની તાકીદ: સ્ક્રુટીની,
– ડિમાન્ડ રીકવરી કે અન્ય કોઈ પ્રશ્ર્ને કરદાતાઓની પુછપરછ ન કરવા અપાઈ સુચના
કોરોનાનાં કારણે જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશનાં અર્થતંત્રને ફરી પાટે ચડાવવા અને બેઠુ કરવા સરકાર દ્વારા અનેકવિધ રીતે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે નાણા મંત્રાલયનાં સીબીડીટી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા ઈન્ટ્રીમ એકશન પ્લાન રજુ કરવામાં આવ્યા છે.આ એકશન પ્લાન આગામી ૩૦ જુન માટે જ બનાવવામાં આવ્યો હોય તેવું સંપર્ક સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દેશનાં વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે ત્યારે લોકડાઉન દરમિયાન સીબીડીટી દ્વારા અનેકવિધ મુદાઓને લઈ ચર્ચા-વિચારણા પણ યોજાઈ હતી.સાથોસાથ સબ કા વિશ્ર્વાસ સ્કિમ જેવી કરદાતાઓને લાભ મળી રહે તે હેતુસર આ સ્કિમની સમયમર્યાદામાં પણ વધારો કરી છેલ્લી તારીખ ૩૦ જુન રાખવામાં આવી છે.
સીબીડીટી દ્વારા જે ઈન્ટ્રીમ એકશન પ્લાન રજુ કરવામાં આવ્યો છે તેમાં આવકવેરા વિભાગનાં અધિકારીઓ તથા કર્મચારીઓ કરદાતાઓને કોઈપણ રીતે સંપર્ક નહીં કરી શકે.સાથો સાથ સ્ક્રુટીની ડિમાન્ડ રીકવરી જેવા પ્રશ્ર્નોને લઈ કરદાતાઓની પુછતાછ ન કરવા બોર્ડે તાકિદ પણ કરી છે.આવકવેરા વિભાગનાં સંપર્ક સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ ઈન્ટ્રીમ એકશન પ્લાનમાં સેકશન ૧૪૮ મુજબની નોટીસ અને સ્ક્રુટીની માટે આવેલા કેસોને રી-ઓપન કરવા માટે ૩૧ માર્ચ છેલ્લી તારીખ ઘોષિત કરવામાં આવી હતી પરંતુ કોરોનાનાં કારણે જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેને લઈ આ મુદ્દે ૩૦ જુન છેલ્લી તારીખ આપવામાં આવી છે.બોર્ડનું સુચન છે કે આ પ્રકારનાં કેસોની પરક કરી લેવી પરંતુ જયાં સુધી બોર્ડ દ્વારા અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સુધી નોટીસને ઈશ્યુ કરવામાં નહીં આવે જે નવી ગાઈડલાઈન બાદ જ કરદાતાઓને નોટીસ અપાશે.
સીબીડીટીએ એ પણ જાહેર કરી છે કે,કોઈપણ કેસનું રેકટીફીકેશન કાર્ય બાકી હોય અથવા તો અપીલ ઈફેકટ આપી દીધા બાદ તે ડિસાઈડ કરવામાં ન આવી હોય તો તે તમામ ૩૦ જુન સુધી ક્લિયર કરવા સુચના આપવામાં આવી છે જેથી કરદાતાઓને જે રીફંડ મુદ્દે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યા છે તે ન થાય અને તેઓને તેમનું રીફંડ મળી રહે.એવી જ રીતે ટ્રસ્ટનાં રજીસ્ટ્રેશન માટે જે આવકવેરા વિભાગને એપ્લીકેશન કરવામાં આવી હોય સેકશન-૧૨ એ એ મુજબ અથવા એટીજી મુજબ તો તે તમામ એપ્લીકેશનોને આગામી ૩૦ જુન સુધીમાં કિલયર કરવા માટે પણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. સીબીડીટી દ્વારા ઈન્ટ્રીમ એકશન પ્લાનમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે,કોઈપણ કરદાતાઓને જો સ્ક્રુટીની કે ડિમાન્ડ રીકવરીને લઈ આવકવેરા વિભાગનાં અધિકારીઓ અથવા તો કર્મચારીઓને પ્રશ્ર્ન ઉદભવિત થાય તો લોકડાઉન દરમિયાન કરદાતાઓને તે પ્રકારનાં કોઈપણ પ્રશ્ર્નો કે પછી પુછતાછ કરવામાં નહીં આવે સાથો સાથ અધિકારીઓને એ વાતની પણ તાકિદ કરવામાં આવી છે કે,કરદાતાઓ પર એક પણ પ્રકારે મેન્ટલ હેરેસમેન્ટ ન કરવામાં આવે.