લોકડાઉન દરમિયાન લોકો દયનીય હાલતમાં દિવસો ગુજારી રહ્યા છે અને આર્થિક ભીંસમાં મુકાઈ ગયેલા લોકો અનાજ માટે વલખા મારી રહ્યા છે. તેવા સમયે બર્થડે પાર્ટી મનાવવા માટે લોકડાઉન ખુલ્લેઆમ ભંગ કરનાર ભાજપના એક આગેવાન અને તેના મિત્રો પોલીસના સકંજામાં સપડાઇ ગયા છે.
સોશિયલ મીડિયા પર પાર્ટીને લગતા પુરાવા મળી આવ્યા
વડોદરાના તુલસી વાડી વિસ્તારમાં તા.12મીએ રાત્રે ભાજપના વોર્ડ નંબર 7ના પ્રમુખ અનિલ પરમાર અને તેના મિત્રો લોકડાઉનનો ભંગ કરી પોતાની બર્થડે પાર્ટી મનાવી રહ્યા હોવાની વિગતો મળતા કારેલીબાગના પી.આઈ આર એ તપાસ કરાવી હતી. જે દરમિયાન સોશિયલ મીડિયા પર પણ પાર્ટીને લગતા પુરાવા મળતા પોલીસે વાયરલ થયેલા ફોટામા દેખાતા ભાજપના વોર્ડ પ્રમુખ સહિત 8ની લોક ડાઉનના ભંગ બદલ ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
પોલીસે આટલા લોકોની કરી ધરપકડ
પોલીસે પકડેલાઓમાં (1) અનિલ કરસનભાઈ પરમાર (2) મહેશ મીઠાભાઇ પરમાર (3) નકુલ રમેશભાઈ પરમાર (4) ધવલ રમેશભાઇ પરમાર (5) દક્ષેશ રમેશભાઇ પરમાર (6) મેહુલ ધનજીભાઈ સોલંકી (7) ચંદ્રકાંત પંડરીનાથ બ્રાભરે અને (8) રાકેશ જશુભાઈ પરમારનો સમાવેશ થાય છે.