નવી દિલ્હી : કોરોનાને લીધે સુસ્ત પડેલી દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.વડાપ્રધાને ગઈકાલે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે,સરકાર હાલના નિર્ણય,રિઝર્વ બેંકની જાહેરાતને મેળવીને આ પેકેજ 20 લાખ કરોડનું હશે.આ પેકેજ દેશની GDPના 10% જેટલું છે.
મહત્વની વાત એ છે કે આ રાહત પેકેજ સરકારના વ્યવ લક્ષ્યથી માત્ર 10 લાખ કરોડ ઓછું છે.નોંધનીય છે કે,સરકારે વર્ષ 2020-21 માટે 30 લાખ 42230 કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું છે.આ રકમ જુદાં જુદાં મંત્રાલયો અને કાર્ય માટે ફાળવવામાં આવે છે.શું તમને ખબર છે સરકારને મળતો હર એક રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચ થાય છે? સરકારને મળતા અને ખર્ચ થતી રકમ એક રૂપિયાના હિસાબથી સમજીશું
રૂપિયો ક્યાંથી આવે છે
સરકારને મળતા પ્રત્યેક રૂપિયામાંથી 20 પૈસા ઉધારી અને અન્ય જવાબદારીઓ પાસેથી મળે છે.જ્યારે 18 પૈસા કોર્પોરેશન ટેક્સ પાસેથી મળે છે. સરકારને મળતા રૂપિયામાં 17 પૈસા આવકવેરામાંથી મળે છે.4 પૈસા કસ્ટમમાંથી આવે છે.કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી આ એક રૂપિયામાં 7 પૈસાનું યોગદાન છે.જીએસટી અને અન્ય ટેક્સ 18 પૈસાનું યોગદાન રૂપિયામાં આપે છે,નોન ટેક્સ રેન્યૂથી 10 પૈસા મળે છે અને કેપિટલ રિસિટથી 6 પૈસા આવે છે.કેપિટલ રિસિટમાં વધારે ભાગીદારી બજારની ઉધારીની હોય છે.
રૂપિયો ક્યાં જાય છે
સરકારને મળતા રૂપિયાની જેમ ખર્ચનો પણ હિસાબ હોય છે.સરકારના પ્રત્યેક એક રૂપિયાની આવકમાં 20 પૈસા રાજ્યોના ટેક્સમાં ભાગીદારી તરીકે આપવામાં આવે છે.જ્યારે 18 પૈસા વ્યાજની ચુકવણીમાં ખર્ચ થાય છે.આ સિવાય 13 પૈસા કેન્દ્રીય સેક્ટરની યોજનાઓમાં ખર્ચ થાય છે.નાણાં આયોગઅને અન્યમાં 10 પૈસા જાય છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજના માટે રૂપિયામાંથી 9 પૈસા રાખવામાં આવે છે.પ્રત્યેક રૂપિયામાંથી 8 પૈસા ડિફેન્સ સાથે જોડાયેલા વ્યય પર ખર્ચ થાય છે.આ સિવાય 6 પૈસા સબસીડી પર ખર્ચ થાય છે જ્યારે પેન્શન પર 6 પૈસા અને બાકીના વધેલા 10 પૈસા અન્ય ખર્ચાઓ માટે હોય છે.