પાકિસ્તાની સાયબર ક્રિમીનલ દ્વારા દેશના અધિકારીઓના ડેટા ચોરવાનું ષડયંત્ર

270

– ‘આરોગ્ય સેતૂ’ જેવી એપ્લિકેશન બનાવી ઉચ્ચ અધિકારીઓને મેસેજ/વોટસએપ દ્વારા લીંક મોકલવાના પ્રયાસોથી તંત્ર ચોંકયુ : ગુજરાતના સીઆઈડી ક્રાઈમ દ્વારા તમામ પોલીસ કમિશ્નરો, રેન્જ વડાઓ અને તમામ એસપીઓને સાવધ રહેવા તાકીદના મેસેજ છૂટયા

ગુજરાતના સીઆઈડી વડાની કચેરી (સીઆઈડી ક્રાઈમ) હેઠળના સાયબર ક્રાઈમ સેલના અધિક્ષક દ્વારા તમામ પોલીસ કમિશ્નરો,તમામ રેન્જ વડાઓ અને તમામ જિલ્લા અધિક્ષકોને એક તાકીદનો સંદેશો મોકલી પાકિસ્તાનની સાયબર ક્રિમીનલ દ્વારા ‘આરોગ્ય સેતુ’ જેવી એપ્લિકેશન બનાવી દેશના અધિકારીઓને મેસેજ/વોટ્સએપ દ્વારા લીંક મોકલી ડેટા ચોરવાના પ્રયાસો સામે સાવધાની રાખવા જણાવ્યાની ચર્ચા ‘હોટ ટોપીક’ બની રહી છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ સીઆઈડી ક્રાઈમ સાયબર સેલના અધિક્ષક દ્વારા રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા તાકીદના સંદેશામાં એવુ પણ જણાવ્યુ છે કે,દેશના અન્ય અધિકારીઓના મેસેજ અને વોટસએપ ડેટા ચોરવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે તેનાથી ખૂબ જ સાવચેતી રાખવી.તાકીદના પત્રમાં વિશેષમાં એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે,આવા પ્રકારની એપ્લિકેશનથી ઉચ્ચ અધિકારીઓએ પોતાના તાબાના સ્ટાફને પણ વાકેફ કરી આવા પ્રકારની લીંક જો તેઓના ડિવાઈસમાં આવી હોય તો કઈ કઈ તકેદારી રાખવી ? તે માટેની ખાસ એડવાઈઝરી પણ મોકલવામાં આવી હોવાની વ્યાપક ચર્ચાઓ છે.જો કે આ અંગે સત્તાવાર રીતે ભારે મૌન સેવાઈ રહ્યુ છે.

Share Now