દમણ પ્રશાસને વાપીના વેપારીઓને પ્રવેશબંધી ફરમાવતા વેપારીઓએ કર્યું પ્રદર્શન

281

વલસાડ, 18 મે : દમણ પ્રશાસન દ્વારા વાપીમાં રહેતા અને દમણમાં અનાજ કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓને પ્રવેશ આપવામાં ન આવતું હોય ત્યારે આજરોજ વેપારીઓએ ડાભેલ ચેકપોસ્ટ પર ઉગ્ર આક્રોશ ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દમણ પ્રશાસનિક તાનાશાહી માટે દમણની પ્રજાને અનેકવાર મુશ્કેલીમાં મૂકી દેનાર દમણ પ્રશાસને હાલમાં ફરી પોતાના તુમાખીભર્યા નિર્ણયને કારણે નાના વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.એક તરફ ઉદ્યોગ અને દારૂની દુકાનો શરૂ કરવાની પરમિશન આપી રેડઝોનમાંથી આવતા વાહનોને પ્રવેશ અપાયો છે.જ્યારે વાપીમાં રહેતા અને દમણમાં અનાજ કરિયાણાની દુકાનો ધરાવતા નાના વેપારીઓ માટે નો એન્ટ્રી નો ફતવો બહાર પડ્યો છે.

વાપીમાં રહેતા અને 15થી 20 વર્ષથી દમણમાં અનાજ કરિયાણાની દુકાનો ધરાવતા વેપારીઓને પ્રવેશ નહિ આપતા વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો વેપારીઓનું કહેવું છે કે,શરૂઆતમાં આ જ પ્રશાસને અમારી પાસે લોકોને ઉધાર રાશન આપવાની અપીલ કરી હતી.અમે કેટલાય લોકોને ઉધાર રાશન આપ્યું હવે ગરજ સરી ગઈ એટલે અમને પ્રવેશ આપવાનું બંધ કર્યું.એક તરફ કંપનીઓમાંથી કામદારોને પગાર ચૂકવાયો છે.અમારી ઉધારી અમને મળી શકે તેમ છે પણ અમને એન્ટ્રી આપતા નથી અને ગુપચુપ વતન જવા માંગતા કામદારોને વતન મોકલી રહ્યા છે.જેમાં અમારી ઉધારી ફસાઈ ગઈ છે.

પ્રશાસન સમક્ષ આ વેપારીઓએ માગ કરી છે કે,જે રીતે અન્ય રાજ્યના ટ્રક ચાલકોને પરમિશન આપવામાં આવી છે.કેટલાક કંપનીના ગુજરાતમાં રહેતા વર્કરોને 8થી 5 વાગ્યા સુધી દમણમાં નોકરી કરવાની પરમિશન આપી છે.એવી જ રીતે અમને પણ સમયપાલન સાથેની મંજૂરી આપવામાં આવે.આ અંગે પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું કે,દમણની ચારે તરફ કોરોનાના કેસ વધ્યા છે.એટલે સાવચેતીરૂપે આ નિયમ લાગુ કરાયો છે.તેમ છતાં આ અંગે જે લોકોના લાયસન્સ છે તેને પ્રવેશ આપવાની પ્રક્રિયા અને જેને લાયસન્સ રીન્યુ કરવાના બાકી છે તેના લાયસન્સ રીન્યુ કરવાની પ્રક્રિયા બાદ પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,દમણ પ્રશાસનની આ વાહિયાત વાતો વેપારીઓના મન હેઠે ઉતરી નથી.તેમને માલસામાન બગડવાની અને મોટી ઉધારી બાકી જ રહી જવાની દહેશત સતાવી રહી છે.કોરોના મહામારી અને લોકડાઉનના દિવસોમાં મસિંહા બનવાની પ્રશાસની ઘેલછામાં હાલ આ વેપારીઓને ઘરનો ગુજારો કરવા ફાફાં મારવાની નોબત આવી છે.

Share Now