
વલસાડ, 22 મે, : ડાંગ જિલ્લાના સુબીર ગામે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાએ સુબીર સીએચસીના અધિક્ષક ડો.સુરેશભાઇ પવાર સામે જાતિય સતામણી અને અશોભનીય વર્તન કરવા અંગે ફરિયાદ મામલે ગુરૂવારે સવારે સુબીર પોલીસે સુબીર CHC પરથી ડોક્ટરની ધરપકડ કરી હતી તેમજ મોબાઇલ કબજે લેવાયો હતો.જ્યારે સામા પક્ષે ડોકટરે પણ યુવતી અને તેના મંગેતર સામે કરાર રિન્યુ ન કરતા બ્લેકમેઈલ અને સરકારી દવા સગેવગે કરાતો હોવાની ફરિયાદ પોલીસને પાઠવેલી અરજીમાં કરી છે.ડો.સુરેશભાઈ પવારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે યુવતીનો મંગેતર સુબીર ખાતે ધારા ધોરણ વિના જ મેડિકલ સ્ટોર ચલાવી આદિવાસીના સ્વાસ્થય સાથે ચેડાં કરી રહ્યો છે.આ ઉપરાંત મમતાઘરની કેરટેકર યુવતી દ્વારા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતું પૌષ્ટિક ખોરાકના ખોટા-ખોટા બીલ રજૂ કરી કૌભાંડ આચરાયું હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે સુબીર પોલીસમાં લેખિત અરજી આપતા ખળભળાટ મચી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,એક તરફ કોરોના વોરિયર્સ વર્તમાન મહામારીમાં સેવા બજાવી રહ્યા છે,બીજી તરફ ડાંગનું આ પ્રકરણ તબીબી આલમમાં ટીકાસ્પદ બન્યું છે.