અમદાવાદ : સામાન્ય જનતા કોરોના વાયરસ નામના રાક્ષસ સામે જ્યારે સરકારી તંત્રના અધિકારીઓ એકબીજા સામે જંગ ખેલી રહ્યા હોય તેવું ચિત્ર ઉભરી રહ્યું છે.સરકારી બાબુઓની એક લોબી હાલ ગુજરાતમાં કોરોનાના કેસ કેવી રીતે ઘટે તેમાં નહીં પણ તેમની ‘હરીફ’ લોબીને કેવી રીતે ‘ટાર્ગેટ’ કરવી તેમાં જ રચી-પચી હોય તેમ જણાય છે.અધિકારીઓ વચ્ચેની આ હુંસાતુંસીનું પ્રકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળી રહ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ૫ મે અગાઉ અને ત્યારબાદનો કોરોનાનો રીક્વરી રેટ જાહેર કરવામાં આવ્યો છે.હવે એવો સવાલ થવો સ્વાભાવિક છે કે બે સરખામણી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચમીમેનો જ સમયગાળો શા માટે પસંદ કર્યો? આ માટેનું કારણ એવું છે કે પાંચમીના જ એએમસીના તત્કાલિન કમિશ્નર વિજય નહેરાને ‘ક્વોરન્ટાઇન’ કરવામાં આવ્યા હતા અને જે તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ પણ બની રહ્યો હતો અને જેને જ કોર્પોરેશન દ્વારા ‘બેન્ચમાર્ક’ બનાવાયો છે.
અંગ્રેજીમાં એક મશહૂર કહેવત છે કે, ‘ગાર્બેજ અંડર કાર્પેટ’. જેનો અર્થ થાય છે કે નીચે જે પણ કચરાનો ઢગલો હોય તેની ઉપર સુંદર જાજમ પાથરી દેવાની.જેના દ્વારા જોનારાને એવો જ ભ્રમ થાય કે નીચે કોઇ કચરો છે જ નહીં.આવી જ સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે.અમદાવાદ મ્યુનિસિરલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૫ મેના અમદાવાદ શહેરમાં કોરોનાથી સાજા થવાનો દર ૧૫.૮૫% હતો.આ પછી ૫ થી ૨૧ મે દરમિયાન અમદાવાદ શહેરમાં રીક્વરી રેટ ૩૮.૧% થઇ ગયો છે.આમ,કોર્પોરેશનના દાવા પ્રમાણે અમદાવાદમાં આ સમયગાળામાં કોરોનાથી સાજા થવાના દરમાં ૧૪૦%નો વધારો થયો છે.છેલ્લા ૧૫ દિવસમાં અપનાવેલી બહુઆયામી રણનીતિને કારણે રીક્વરી રેટમાં વધારો થયો હોવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરાયો છે.આ અંગે કોર્પોરેશન દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે પાંચ મેથી અમદાવાદ શહેરમાં કોરોના મામલે નવી રણનીતિ જાહેર કરાઇ હોવાથી તેને બેન્ચમાર્ક ગણવામાં આવી રહ્યો છે.
કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી આ વિગતો બાદ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાએ વેગ પકડયો છે કે વિજય નહેરાને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા તે પાંચ મેના જ સમયને શા માટે ‘બેન્ચમાર્ક’ ગણવામાં આવી રહ્યો છે.અધિકારીઓ એકમેક પ્રત્યેની હુંસાતુંસી-એકમેકને નીચા પાડવાની વૃત્તિને થોડા સમય માટે બાજુએ રાખીને ટીમ વર્કથી કોરોના સામે વિજય મેળવવા પ્રયાસ કરી ના શકે? હકીકત એ છે કે આ પ્રકારના આંકડા સાથે અમદાવાદ મ્યુનિસિનિપલ કોર્પોરેશન માત્ર આભાસી સુંદર ચિત્ર દર્શાવવા માગે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ દિલ્હીમાં હાઇકમાન્ડની ‘માનિતી’અને ‘અણમાનિતી’ લોબી વચ્ચેની હુંસાતુંસી ચરમે પહોંચી ગઇ છે આ હુંસાતુંસીમાં જ વિજય નહેરાને બદલીનો ‘પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો.હવે દિલ્હીમાં આઇએએસ હાઇકમાન્ડની ‘માનિતી’ લોબી પોતાનું પ્રભુત્વ દર્શાવવા માટે સતત નવા ખેલ કરી રહી છે.તેમને કોરોનાના કેસ કે કોરોનાના મૃત્યુદર ઘટાડવા કરતા ‘અણમાનિતી’ લોબીને કઇ રીતે કદ પ્રમાણે વેતરીને હાંસિયામાં ધકેલી દેવી તેમાં જ વધારે રસ છે.
એએમસી દ્વારા જારી કરવામાં આવેલો રીક્વરી રેટ પણ ભ્રમણા માત્ર છે.રીક્વરી રેટ ઊંચો જવાનું પ્રથમ કારણ આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલી નવી ગાઇડલાઇન છે.વિજય નહેરા કમિશ્નર હતા ત્યાં સુધી આઇસીએમઆરની જૂની ગાઇડલાઇન પ્રમાણે દર્દીઓને સાજા જાહેર કરવામાં આવતા હતા.આઇસીએમઆરની નવી ગાઇડલાઇન પ્રમાણે કોરોનાના દર્દીને તાવ ના આવે તો તેને ટેસ્ટ કર્યા વગર જ રજા આપી દેવામાં આવે છે.અગાઉ કોરોનાના દર્દીને ટેસ્ટ કરીને જ રજા આપવામાં આવતી હતી.આ ઉપરાંત ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઘટાડી દેવામાં આવ્યું છે.પૂર્વ કમિશ્નર નહેરાએ અગ્રેસિવ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો જ્યારે હવેના અધિકારીઓ ટેસ્ટિંગ કેવી રીતે ઘટાડીને કેસ ઓછા દર્શાવવા તેમાં જ વધારે વ્યસ્ત રહે છે.