જૂનમાં નવી ઉદ્યોગનીતિ: વિદેશી કંપની-રોકાણ માટે લાલજાજમ હશે

769

ગાંધીનગર તા.26 : કોરોના સંકટ વચ્ચે વેપાર ઉદ્યોગ તથા અર્થતંત્રને ઝડપભેર નોર્મલ સ્થિતિમાં મુકી દેશનાં સરકારના પ્રયાસો રહ્યા છે,જયારે નવી ઔદ્યોગીક નિતી જાહેર કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.ઉદ્યોગોને બળ આપવા તથા રોકાણ વધારવાનાં હેતુસર સરકારે 2020થી 2025ના પાંચ વર્ષો માટેની નવી ઉદ્યોગનીતિ આવતા મહિને જાહેર કરવાની તૈયારી કરી છે.કોરોના લોક ડાઉનને કારણે વધેલી બેકારી પણ હળવી કરવાનો આશય છે.

રાજયમાં 2015-2020ની પંચવર્ષિય ઉદ્યોગનીતિની મુદત ડીસેમ્બર-જાન્યુઆરીમાં ખત્મ થઈ હતી પરંતુ તે છ મહિના માટે લંબાવવામાં આવી હતી નવી નીતિ માટે વિવિધ ક્ષેત્રોનાં જુથો,તથા ઉદ્યોગ સંગઠનો દ્વારા અગાઉ જ સુચનો પાઠવી દેવામાં આવ્યા હતા અને તેના આધારે નવી નીતિ જાહેર કરવામાં આવશે.રાજય સરકારે કોરોનાં લોકડાઉન પછી અર્થતંત્રને ધમધમતું કરવા માટે હસમુક અઢીયાનાં વડપણ હેઠળ નિષ્ણાંત કમીટીની રચના કરી હતી તેનાં કેટલાંક સુચનો પણ નવી ઉદ્યોગનીતિમાં સામેલ કરી દેવામાં આવશે.ઉદ્યોગ-ખાણ વિભાગનાં ઈન્ચાર્જ અગ્ર સચીવ મનોજદાસે જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી તકે નવી ઉદ્યોગનીતિ જાહેર કરવાની સુચના આપી છે.કોરોના પૂર્વે તથા તેનાં પછીની હાલતને લક્ષમાં લઈને વિવિધ મુદાઓને નીતિમાં આવરી લેવાનું સુચવ્યુ છે.જુન મહિનામાં આ નવી નીતિ જાહેર કરવાનો ટારગેટ છે.

નવી ઉદ્યોગ નીતિનાં ફોકસ વિશે તેઓએ એવો નિર્દેશ કર્યો હતો કે,રીન્યુએબલ એનર્જી તથા અન્ય ઉભરતા ક્ષેત્રો પર નવી નીતીમાં ફોકસ રહેશે. મેન્યુકલ્ચરીંગ તથા સર્વીસ ક્ષેત્રો તો પાયામાં રહેશે.ચીનમાંથી ઉદ્યોગો ખસેડવા માટે જાપાન અમેરીકા તથા યુરોપીયન દેશોનાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે આવા ઉદ્યોગોના સરળ પ્રવેશ માટે તમામ પ્રકારની સુવિધા આપવાની કટ્ટીબધ્ધતા છે કેન્દ્ર સરકારની મદદથી આવા ઉદ્યોગોને આકર્ષવા તથા રોકાણ લાવવાનાં પ્રયત્નો કરવામાં આવશે.

સુત્રોએ કહ્યું કે, લગભગ તમામ ઉદ્યોગ સંગઠનોએ રાજયમાં જમીનનાં ધરખમ ઉંચા ભાવનો મુદો ઉભો કર્યો છે.નવો ઉદ્યોગો શરૂ કરવા માટે મામુલી કિંમતે લાંબી લીઝથી જમીનો આપવા માટે સરકારની તૈયારી છે. ઉદ્યોગકારોનો મોંઘી જમીનનો પ્રશ્ન ઉકેલાશે અને ઉદ્યોગો-ઉત્પાદન ઝડપભેર શરૂ થઈ શકશે આ સિવાય પ્રવર્તમાન નીતિ કરતા પણ ઘણા વધુ લાભો-રાહતો આપવામાં આવશે.

Share Now