વલસાડ, 27 મે : વલસાડ જિલ્લામાં પણ હવે ધીરે ધીરે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.વહીવટીતંત્ર દ્વારા તમામ સ્થળ પર તપાસ સર્વે તેમજ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.પરંતુ તેમ છતાં પણ બહારગામથી આવેલા લોકોને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે જણાવ્યું કે,વલસાડ જિલ્લામાંથી વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે પેન્ડિંગ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે જણાવ્યું કે,આ તમામ સ્થળો અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.મોડીરાત્રે જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીએ આ તમામ સ્થળોએ સ્વયં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.આ તમામ સ્થળો અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવા માટેના જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.મોડી રાત્રે હાલર વિસ્તારમાં આવેલી દિવ્યમ એપાર્ટમેન્ટ અને અતુલ કોલોનીમાં આવેલા હીલસાઇડ વિસ્તારને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે,વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 3,419 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 3,359 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.જયારે 26 જેટલાં સેમ્પલોનું પરિણામ આવવાનું બાકી છે.ત્યારે અત્યાર સુધીમાં કુલ 28 જેટલા દર્દીઓનો પોઝિટિવ કેસ નોંધાયો છે.તો નવ જેટલા દર્દીઓ સાજા થઇ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.