વલસાડ, 29 મે : વાપી શહેરમાં પણ મિલકત ધારકો માટે રિબેટ અને દંડની જોગવાઇ અમલમાં આવી રહી છે.વાપી પાલિકામાં 1 જુનથી આ નિયમો અમલી બની જશે.જેના કારણે વાપી પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 77 હજાર મિલકત ધારકોને રિબેટનો લાભ મળી શકશે.જેમાં 1 થી 30 જૂન, ટેકસના નાણા ભરનારને (શિક્ષણ ઉપકરની રકમ સિવાયના બિલના નાણાં પર ) 5 ટકા વળતર અપાશે.લોકડાઉનના કારણે મિલકત ધારકોએ કચેરીમાં આવ્યા વગર ઓનલાઇન વેરો ભરવો પડશે.
વાપી પાલિકાની વર્તમાન બોર્ડીએ મિલકત વેરાની વસુલાત ઝડપથી થાય તે માટે સામાન્ય સભામાં વહેલા મિલકત વેરો ભરતાં મિલકત ધારકોને રિબેટ આપવાનો ઠરાવ કર્યો હતો.જે અંતગર્ત હવે 1 જુનથી રિબેટ અને દંડની જોગવાઇની પ્રક્રિયા અમલી બનશે.પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જાહેર કરેલા પરિપત્ર મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 271 હેઠળ મિલકત વેરાના રીબેટ અને દંડના નિયમો તૈયાર કરવામાં આવ્યાં છે.જે અંતગર્ત વાપી પાલિકા દ્વારા 1થી 30 જુન માસ સુધીમાં માંગણાના 5 ટકા પ્રમાણે રીબેટ (વળતર) આપવામાં આવશે.પાલિકા વિસ્તારના 77 હજાર મિલકત ધારકોને રિબેટનો લાભ મળી શકશે.
1-6-2020 થી 30-6-2020 સુધીના ટેકસના નાણાં ભરનારને 5 ટકા વળતર મળશે.જુલાઇ ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં મિલકત ધારકોએ મુળ મુદ્લ રકમ ભરવાની રહેશે.સપ્ટેમ્બર માસ બાદ મિલકત ધારકો હાઉસ ટેકસ ન ભરે તો તેમણે દંડ ભરવા તૈયાર રહેવું પડશે.જેમાં ઓકટોબરમાં 1 ટકા, નવેમ્બરમાં 2 ટકા, ડિસેમ્બર 3 ટકા, જાન્યુઆરીમાં 4 ટકા, ફેબ્રઆરીમાં 5 અને માર્ચ માસમાં 6 ટકા દંડની રકમ મિલકત ધારકોએ ચુકવવી પડશે.