
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં રેલ્વે બ્રિજ નજીકથી પસાર થતી ટ્રકને ગૌરક્ષકોએ અટકાવી હતી. તેમજ ટ્રકમાં ક્રુરતાપૂર્વક ગળાથી પગ સુધી બાંધી કતલ કરવાના ઇરાદે લઇ જવાતી 12 ભેંસ અને 2 પાડાને મુકત કરાવ્યા હતા.જયારે પશુઓનું ગેરકાયદે પરિવહન કરનાર ટ્રકના ચાલક વિરુધ્ધ ગૌરક્ષકોએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ 10.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગૌરક્ષ સમિતિના કિશનભાઈ કિશોરભાઈ ખેની, તુષારભાઈ કાનાણી તથા જયેશભાઈ ભરવાડ નાઓ ગતરોજ કામરેજ ચાર રસ્તા પાસે ને.હા.નં-48 ઉપર ઊભા હતા.તે સમયે એક ટ્રક નંબર આર.જે-19-જીએ-6517 ત્યાંથી પસાર થતાં તેમાં પશુઓ ભરેલા હોવાનું જણાતા તેમણે આ ટ્રકનો પીછો કર્યો હતો. તે દરમ્યાન પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં રેલ્વે બ્રિજ નજીક ટ્રક અટકાવી હતી. અને ટ્રકની પાછળના ભાગે જોતાં ટ્રકમાં 12 નંગ ભેંસ અને 2 પાળાને ગળેથી માથા સુધી દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા.ટ્રકમાં ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે લઈ જવાતી ભેંસ અને પાડાને ગૌરક્ષકોની ટીમે ઉગારી લીધી હતી. ત્યારબાદ કડોદરા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક જેની કિંમત રૂ. 8 લાખ અને 2.46 લાખની ભેંસ મળી કુલ 10.46 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.