નવી દિલ્હી : કોરોના લોકડાઉન ૪.૦ આવતીકાલે ખત્મ થઇ રહ્યું છે જ્યારે એ લંબાવાશે કે કેમ અથવા વધારાની કેટલી ‘છુટછાટ’ અપાશે તે વિશે અટકળો જોર પકડવા લાગી છે.એવા નિર્દેશો છે કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશના ૧૩ શહેરોમાં કડક નિયંત્રણો યથાવત રાખવાની સુચના સાથે અન્ય છુટછાટોની સજા રાજ્યો સોંપી દેવામાં આવશે.કેન્દ્ર સરકારના સુત્રોએ કહ્યું કે, હોટલ-મોલ સહિતના ક્ષેત્રો ખોલવા દેવા કે કેમ તેનો નિર્ણય રાજ્યોની સરકારો પર છોડવાનો કેન્દ્ર સરકારની વિચારણા છે.જે રીતે વિમાની સેવા શરુ કરીને રાજ્યોના સૂચનો મુજબ અમલ કરાયો તે જ ધોરણે હોટલ-મોલ વિશે નિર્ણય લેવાશે. દેશવ્યાપી ૪ લોકડાઉન વખતથી હોટલ-રેસ્ટોરાં તથા મોલ પર પ્રતિબંધ છે જે દૂર કરવા માટે સંગઠનો સતત રજૂઆતો કરતા રહ્યા છે. ટ્રેન-વિમાની સેવા શરુ કરવામાં આવી છે જ્યારે હોટલ ઉદ્યોગને પણ તબક્કાવાર ખોલવાની છૂટ આપવાની માંગ કરી છે.
સુત્રોએ એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ વિભાગ ૧લી જૂનથી શરુ થતી નવી ગાઇડલાઈન તૈયાર કરી રહ્યું છે.દેશના મોટાભાગના વિસ્તારો-ક્ષેત્રોમાંથી લોકડાઉન નિયંત્રણો હટાવી લેવામાં આવશે અને સૌથી વધુ પ્રભાવિત ૧૩ શહેરો પુરતા જ મર્યાદિત રાખવામાં આવશે.હોટલ-મોલ-રેસ્ટોરાં પરનાં પ્રતિબંધો પણ દૂર કરવામાં આવશે.લોકડાઉન ૪.૦ના નિયમોનો આવતીકાલે ૩૧મી મેનો છેલ્લો દિવસ છે. ૧લી જૂનથી કેવા નિયમો રાખવા તે વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહપ્રધાન અમીત શાહ ચર્ચા કરી લીધી જ છે.હોટલ ઉદ્યોગને લાગેવળગે છે ત્યાં સુધી તબકકાવાર ખોલવાની છૂટ અપાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે અને કદાચ તેમાં જ નિયમોની જાહેરાત કરી શકે છે.નવા તબક્કામાં લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવો કે કેમ તે વિશે સરકાર વિચારણા કરી રહી છે.મહત્વની સરકારી પેનલે લોકડાઉન લંબાવવાને બદલે માત્ર સ્કૂલ-કોલેજ-ધર્મસ્થાનો પર જ નિયંત્રણો ચાલુ રાખીને લોકડાઉન હટાવી લેવાનું સુચવ્યું હોવાનું ઉલ્લેખનીય છે.પબ્લીક ટ્રાન્સપોર્ટ ખોલવાની પણ શક્યતા છે.