બારડોલી : 31મી મે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતની તમામ શુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવશે.છેલ્લા દશ વર્ષમાં 2016-17માં શેરડીના ભાવ સૌપ્રથમ વખત ટન દીઠ 4 હજારને પાર કરી ગયો હતો.પરંતુ છેલ્લા બે વર્ષથી 3000 થી 3100નો જ ભાવ મળી રહ્યો છે ત્યારે આ વખતે ચૂંટણીનું વર્ષ હોય ખેડૂત સભાસદોને સારા ભાવ મળવાની આશા છે.
દર વર્ષે શેરડીના આખરના ભાવ નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી માર્ચના રોજ જાહેર થતાં હોય છે.પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે લાગુ લોકડાઉનમાં ભાવ જાહેર કરવાની તારીખમાં વારંવાર ફેરફાર કરવાની ફરજ પડી હતી.રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ખાંડ નિયામકના પત્રને આધારે અંતે 31મી મેના રોજ તમામ સુગર ફેક્ટરીઓએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક બોલાવી ભાવ નક્કી કરવા માટે જણાવ્યુ હતું.જેના અનુસંધાને આવતીકાલે એટલે કે 31મી મેના રોજ સુગર મિલના સંચાલકો ભાવ જાહેર કરવા માટે બેઠક કરશે.જેમાં ખેડૂતોને શેરડીના ટન દીઠ મળનારા ભાવ માસવાર જાહેર કરવામાં આવશે.કોરોનાના કારણે બજારો બંધ રહ્યા હોય ખાંડનું વેચાણ થઈ શક્યું નથી જેના કારણે પણ ભાવ પર અસર થવાની સંભાવના છે. પરંતુ આ વર્ષે લગભગ તમામ સુગર ફેક્ટરીઓમાં વ્યવસ્થાપક સમિતિની મુદ્દત પૂરી થતી હોય ચૂંટણી થવાની છે જેને કારણે સત્તા ટકાવી રાખવા માટે શાસકો ખેડૂતોને સારા ભાવ આપી ખુશ કરશે તેવી શક્યતાને લઈ ખેડૂતોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.છેલ્લા દસ વર્ષના ભાવોની વાત કરવામાં આવે તો સૌથી વધુ ભાવ 201-17માં આપવામાં આવ્યો હતો.ગણદેવી શુગર ફેક્ટરીએ ઇતિહાસમાં સૌપ્રથમ વખત 4 હજારનો આંક વટાવી ટન દીઠ 4441 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો.ત્યાર પછીના બે વર્ષમાં ગણદેવી શુગર ફેક્ટરીને બાદ કરતાં એક પણ સુગર ફેક્ટરી 3 હજારની ઉપર ભાવ આપી શકી ન હતી.ત્યારે આ વખતે સંચાલકો ખેડૂતોને ખુશ કરવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું.