
વલસાડ,02 જૂન : સંઘપ્રદેશ દમણમાં આવેલી કંપનીમાં વાપી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારોની સંખ્યામાં કામદારો નોકરી કરે છે. જોકે,કોરોના વાયરસને પગલે લોકડાઉનના પગલે દમણની તમામ બોર્ડર સીલ કરી દેવાતા તેઓ નોકરીએ જઇ શકતા નથી.જોકે,1લી જુનથી સરકારે લોકડાઉન હટાવીને આંતર રાજ્યની બોર્ડર ખોલી દીધી છે જેને લઇને સોમવારે મોટી સંખ્યામાં કામદારો,કંપની સંચાલકો દમણમાં જવા માટે કચીગામ, પાતલિયા અને ડાભેલની ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા જ્યા તેમને રોકી દેવાતા હલ્લો કર્યો હતો.બીજી તરફ દમણ કલેકટરના જાહેરનામા મુજબ કામદારો કે કંપની સંચાલકો ઇપાસ મેળવીને પ્રવેશ મેળવી શકે છે પરંતુ ઇપાસ ઈસ્યુ કરનારી સાઇટ જ બંધ હોવાથી લોકોની હાલાકી વધી છે.
દાનહ અને દમણમાં પ્રવેશ માટેની ઓનલાઇન ઇપાસની વેબસાઇટ જ બંધ રહેતા હાલાકી સર્જાઈ રહી છે.સરકારે લોકડાઉન બાદ 1લી જુનથી સમગ્ર દેશમાં ઇન્ટર સ્ટેટ બોર્ડર ખોલી દીધી છે જેને પગલે સોમવારે મોટી સંખ્યામાં મહિલા કામદારો સહિત કંપની સંચાલકો પોતાની દમણમાં આવેલી કંપનીમાં નોકરીએ અથવા કામ ઉપર જવા માટે પહોંચી ગયા હતા.જોકે,ગુજરાતના કામદારોને ત્રણેય ચેક પોસ્ટ ઉપર પ્રવેશ ન અપાતા હલ્લો કરીને કામદારો અને ગ્રામજનોએ દમણથી આવતા વાહનોને બંધ કરાવવા માટે માર્ગ ઉપર ઝાડી ઝાંખરા અને આડશ ઊભી કરીને માર્ગ બંધ કરી દીધો હતો.દમણ પ્રશાસનના મત મુજબ ઇપાસ મેળવીને કામદારો અને કંપની સંચાલકોને પ્રવેશ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે.જોકે,ઇપાસ ઈસ્યુ કરનારી અને એપ્લાય કરનારી દમણ પ્રશાસનની સાઇટ જ સોમવારે સવારેથી બંધ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
કંપનીના આઇકાર્ડ ઉપર પ્રવેશ મળવો જોઇએ.દમણમાં અન્ય લોકોને પ્રવેશ ન મળે તો વાંધો નહિં પરંતુ છેલ્લા બે માસથી નોકરી વગર ઘરે બેસેલા કામદારો નોકરી ઉપર જઇ શકે એવી વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.કંપની સંચાલકો અનેક વખત ઇપાસ માટે અરજી કરી હોવા છતાં તેમની અરજી રીજેક્ટ કરી દેવાય છે એવા સંજોગમાં દમણની કંપનીના આઇ કાર્ડ ઉપર દરેક કામદારને પ્રવેશ મળવો જોઇએ એવી માગ ઉઠી છે.
પાસ માટે 4500થી વધુ અરજીઓ હજુ પેન્ડિંગ છે.દમણમાં નોકરી કરતા,વ્યવસાય કરતા તથા અન્ય ધંધા સાથે સંકળાયેલા અંદાજે 4500થી વધુ લોકોએ દમણમાં પ્રવેશ માટે ઇ પાસ માટે અરજી કરી છે.છેલ્લા ચાર પાંચ દિવસથી એપ્લાય કરવા છતાં પણ હજુ સુધી તેમના ઇ પાસ બન્યા નથી.