બારડોલી નગરપાલિકાના અસંતુષ્ટોનું રાજીનામાનું તીકડમ

281

બારડોલી : બારડોલી નગરપાલિકાના 12 અસંતુષ્ટ નગરસેવકોએ રાજીનામા આપ્યા બાદ મોડી રાત્રે મોવડીમંડળ સાથે સમાધાન કરી લીધું હોવાનું જાણવા મળે છે.નગરસેવકોએ પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરી આવતીકાલે એટલે કે 2 જૂને મળનારી સામાન્ય સભામાં હાજર નહીં રહે તેવી શરતે સમાધાન કરતાં મામલો ગૂંચવાયો છે.જો કે સંગઠન દ્વારા આવી કોઈ શરત મૂકવામાં આવી ન હોવાની હકીકત સામે આવી છે ત્યારે નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બનવાની સાથે બળવો થવાના એંધાણ પણ સર્જાયા છે.

છેલ્લા કેટલાક સમયથી બારડોલી નગરપાલિકામાં શાસક પક્ષમાં જુથવાદ વકર્યો છે.જિલ્લા મોવડી મંડળે બારડોલીમાં ચાલી રહેલ જુથવાદને હલકામાં લેતા આજે તે પક્ષ માટે ઘાતકરૂપ બની ગયો છે.થોડા દિવસથી અસંતુષ્ટ નગરસેવકો પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરીના રાજીનામાંની માંગ કરી રહ્યા છે.ગણેશ ચૌધરીના કથિત પ્રેમપ્રકરણને લઈ તેનાથી પાર્ટીની છબી ખરડાઇ હોવાનું કારણ આગળ ધરી તેઓ રાજીનામું માંગી રહ્યા છે.પરંતુ મોવડીમંડળ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.જેને લઈને અસંતુષ્ટોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન આ અંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલિપસિંહ રાઠોડ દ્વારા રવિવારે સમગ્ર મામલાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ રવિવારે પણ કોઈ ઉકેલ નહીં આવતા તમામ 12 અસંતુષ્ટોએ રાજીનામાં ધરી દીધા હતા.જો કે મોડી રાત સુધી ચાલેલી મિટિંગમાં જિલ્લા પ્રમુખ દિલિપસિંહ,રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર,શહેર ભાજપ પ્રમુખ અજીતસિંહ સુરમાએ નગસરેસવકોને પ્રમુખનું રાજીનામુ લેવા માટે પ્રદેશ લેવલે નિર્ણય થતો હોય હાલએ શક્ય નથી.આથી હાલ રાજીનામાં ન સ્વીકારવાનું જણાવ્યુ હતું.પરંતુ સામે પક્ષે અસંતુષ્ટોએ 2જી જૂને મળનારી પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ ગણેશ ચૌધરી હાજર ન રહે તેવી શરત રાખી હાલ પૂરતું સમાધાન કર્યું હોવાનું અસંતુષ્ટો જણાવી રહ્યા છે.જો કે નગર સંગઠન દ્વારા આવી કોઇ શરત સ્વીકારવામાં આવી ન હોવાનું જણાવ્યુ હતું.

ઉપરથી દબાણ આવતા જ અસંતુષ્ટો પાણીમાં બેઠા

બારડોલી નગરપાલિકાના અસંતુષ્ટો છેલ્લા ઘણા સમયથી રાજીનામા આપવાની ચીમકીઑ આપી રહ્યા છે.આ વખતે પ્રમુખ ગણેશ ચૌધરીના કથિત પ્રેમપ્રકરણને આગળ ધરી રાજીનામા આપવા માટે તલપાપડ બન્યા હતા.પરંતુ મોવડીમંડળનું ઉપરથી દબાણ આવતા જ તમામ અસંતુષ્ટોપાણીમાં બેસી ગયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.શાસકો વચ્ચેના જુથવાદને કારણે આવતીકાલની સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ સર્જાયા છે.

પ્રમુખની અધ્યક્ષતામાં જ સામાન્ય સભા મળશે : રાજેશ પટેલ

બારડોલી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલે જણાવ્યુ હતું કે જિલ્લા કે નગર સંગઠન દ્વારા અમને પ્રમુખને ગેરહાજર રાખવા બાબતે કોઈ સૂચના મળી નથી.હાલ પ્રમુખ ગણેશ ચૌધરી સાથે મળી સામાન્ય સભાની તૈયારી ચાલી રહી છે સંગઠનની કોઈ સૂચના ન હોય પ્રમુખની અધ્યક્ષતામાં જ સામાન્ય સભા મળશે.

પ્રમુખની ગેરહાજરી અંગેની કોઈ શરત સ્વીકારવામાં આવી નથી : અજીતસિંહ સૂરમાં

બારડોલી નગર ભાજપ પ્રમુખ અજીતસિંહ સુરમાએ જણાવ્યુ હતું કે,નગરસેવકોની પ્રમુખની ગેરહાજરી અંગેની કોઈ શરત સ્વીકારવામાં આવી નથી. તેઓએ પોતે જ રાજીનામા પરત ખેંચી લીધા છે.આવતી કાલે સામાન્ય સભા પહેલા સંકલનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. પરંતુ પહેલા સામાન્ય સભા પૂર્ણ થાય તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

મોવડી મંડળે અમારી શરતો સ્વીકારી છે : પન્નાબેન દેસાઇ

નારાજ જુથના પન્નાબેન દેસાઇએ જણાવ્યુ હતું કે,હાલ અમે પ્રમુખ ગણેશ ચૌધરી સામાન્ય સભામાં હાજર ન રહે તો જ અમે સભામાં ઉપસ્થિત રહીશું એવી શરત મોવડી મંડળ સમક્ષ મૂકી હતી અને તેમણે સ્વીકાર પણ કર્યો છે.

Share Now