– અરબી સમુદ્રમાં બનેલુ લો-પ્રેશર વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચક્રવાતમાં પરિણમશે : ભારે વરસાદ અને કાતિલ પવન ફુંકાવાની શકયતા : મહારાષ્ટ્રમાં પણ હાઈએલર્ટ જાહેર : દ.ગુજરાતના કાંઠે વાવાઝોડુ નહિ ટકરાઈ પણ ભારે વરસાદ પડશે : હાલ વાવાઝોડુ ગોવાના પણજીથી ૨૪૦ કિમી, મુંબઈથી ૪૧૦ કિમી અને સુરતથી ૬૨૦ કિમી દૂર : કાલે મુંબઈમાં ભારે પવન ફુંકાશે : ભારે વરસાદ પડશે
– સુરત,નવસારી,ભરૂચ,વલસાડ,ડાંગ,ભાવનગર અને અમરેલીમાં એલર્ટ : એનડીઆરએફની ટીમો તૈનાત : કાલે ૩ જુન રાત્રે ૧૦ આસપાસ નાસિક પંથકમાંથી ૬૦-૬૫ કિ.મી. ઝડપે વાવાઝોડુ નિસર્ગ પસાર થશે
નવી દિલ્હી, તા. ૨ : ચક્રવાતી વાવાઝોડુ ‘નિસર્ગ’ આવતીકાલે ત્રાટકે તેવી પુરેપુરી શકયતા છે.વાવાઝોડાની અસર શરૂ થઈ છે.ગોવામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન પણ ફુંકાઈ રહ્યો છે.અત્યારે વાવાઝોડુ ગોવાથી ૨૪૦, મુંબઈથી ૪૧૦ અને સુરતથી ૬૨૦ કિમી દૂર છે.દ.ગુજરાતના કાંઠે ટકરાશે નહિ પરંતુ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.કાલે બપોરથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડશે.આ વાવાઝોડુ કાલે મહારાષ્ટ્રના કિનારે ત્રાટકશે.જેને કારણે હાઈએલર્ટ રાખવામાં આવેલ છે.જેને કારણે મહારાષ્ટ્રમાં દરીયો તોફાની બનશે.મુંબઈમાં ભારે નુકશાન થવાની આશંકા છે.
લેન્ડપોલનું સ્થાન અલીબાગની નજીક રહેશે.મહારાષ્ટ્ર,ગુજરાત,ગોવા,દમણ,દીવ અને દાદરાનગર હવેલીમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.આ વાવાઝોડાને કારણે થનારી તબાહીને જોતા રાજ્ય સરકારે કિનારે રહેતા લોકોને સલામતી સ્થળે જવાના આદેશો આપ્યા છે.અડધા ડઝનથી વધુ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે.નિસર્ગના ખતરાના નિપટવા માટે કુલ ૨૩ ટીમો તૈનાત કરવામાં આવી છે.આવતીકાલે સાંજે ચક્રવાતી વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાર કરી જશે જેને કારણે ભારે વરસાદ પડવાના એંધાણ છે.હાલ વાવાઝોડુ સુરતથી ૯૦૦ કિ.મી. દૂર કેન્દ્રીત છે.આ વાવાઝોડાને કારણે ૧૦૫ થી ૧૧૫ કિ.મી.ની ઝડપે કાતિલ પવન ફુંકાઈ તેવી શકયતા છે.હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમુક સ્થળે પવનની ઝડપ ૧૨૫ કિ.મી. પણ થશે.
દક્ષિણ ગુજરાતમાં ૩ અને ૪ જૂને ભારે વરસાદ પણ પડશે.તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે,ભરૂચ,સુરત,નવસારી, વલસાડ,ડાંગ અને ભાવનગર તથા અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે.આ શહેરો માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવેલ છે.લોકો માટે સેલ્ટર હાઉસ પણ ઉભા કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રીએ ૩ અને ૪ તારીખના રોજ લોકોને ઘરની બહાર ન નિકળવા જણાવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે નિસર્ગને ધ્યાનમાં રાખીને મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે.૧૦ ટીમો તૈનાત કરાઈ છે અને ૬ રીઝર્વમાં રાખવામાં આવી છે.મુંબઈ,થાણે,પાલઘર,રત્નાગીરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.હવામાન ખાતાએ ભવિષ્યવાણી કરી છે કે વાવાઝોડુ આવતીકાલે સાંજે કે રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિનારે ટકરાઈ શકે છે.જેને કારણે બન્ને વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.દરીયો ગાંડોતૂર થાય તેવી શકયતા છે.દરીયાના મોજા વિકરાળ સ્વરૂપે ઉછળે તેવી પણ શકયતા છે.ગુજરાતમાં ૩ થી ૫ જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી છે. આવતીકાલે પંચમહાલ,દાહોદ,ભાવનગર,અમરેલી,રાજકોટ અને દિવમાં વરસાદની શકયતા છે.તો ૪થી જૂને સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થશે.આવતીકાલે વાવાઝોડુ મહારાષ્ટ્રના કિનારે ટકોરા દેશે.હવામાન ખાતાએ મુંબઈ અને આસપાસના જિલ્લાઓના એલર્ટ કરી દીધા છે.ઓછુ નુકશાન થાય અને ઓછી જાનહાની થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.મુંબઈમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડે તેવી શકયતા છે.