
– અબ્દુલમલેક વિસ્ફોટ સામગ્રી બનાવવામાં નિષ્ણાત હતો, અનેક નિર્દોષોનો જીવ લીધો હતો : માલી સરકાર
– ફ્રાન્સે માલી સરહદે ૫૦૦૦ સૈનિકો તૈનાત કર્યા, અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ આતંકીઓને ઠાર માર્યા
ઇસ્લામિક માઘરેબ : આતંકી સંગઠન અલ કાયદાની કમર તોડવામાં ફ્રાન્સને સફળતા મળી છે.ફ્રાન્સ સૈન્યએ અલકાયદાના નેતા અબ્દુલમલેક દ્રોકદેલને ઇસ્લામિક માઘરેબમાં ઠાર માર્યો હતો.અલ્ગેરીયન સરહદે ફ્રાન્સ સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું જે દરમિયાન આ આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.આ આતંકી ઉત્તર માલીમાં આવેલા અલ કાયદા સંગઠનની કમાન સંભાળી રહ્યો હતો અને અનેક મોટા હુમલાને અંજામ આપી ચુક્યો છે.
આ અંગેની જાણકારી માલીના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ આપી હતી, તેમણે જણાવ્યું હતું કે અલ્ગેરીનય સરહદે આ આતંકી સંગઠન વધુ સક્રીય છે.બુર્કીના ફાસોમાં આ આતંકી સંગઠને ૨૦૧૬માં એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો જેમાં ૩૦ લોકો માર્યા ગયા હતા જેમાં મોટા ભાગના વેસ્ટર્ન હતા.ફ્રાન્સે આ વિસ્તારમાં ૫૦૦૦ સૈનિકોને તૈનાત કર્યા છે.આ પ્રાંતમાં સરહદેથી મોટા પ્રમાણમાં હથિયારોની તસ્કરી કરવામાં આવે છે.
ઉત્તરીય માલીમાં અનેક આતંકી સંગઠનો સક્રિય છે અને તેમની વચ્ચે ઘર્ષણ પણ થતુ રહે છે.૨૦૧૨માં આ વિસ્તારના અનેક શહેરો આતંકી સંગઠનોના કબજા હેઠળ આવી ગયા હતા અને મોટા ભાગના સંગઠનો અલ કાયદા સાથે સંકળાયેલા છે.માર્યો ગયેલો આતંકી વિસ્ફોટોમાં નિષ્ણાંત હતો અને તેણે અનેક એવા વિસ્ફોટકો તૈયાર કર્યા હતા કે જેણે હજારો લોકોનો જીવ લીધો હતો. ૨૦૧૩માં તેને ફાંસીની સજા આપવામાં આવી હતી.અમેરિકાએ આ આતંકીને પકડવા માટે ઇન્ટેલિજન્સની મદદ પહોંચાડી હતી.હાલના તાજેતરના મહિનાઓમાં ફ્રાન્સ સૈન્યએ આ વિસ્તારમાં આશરે ૫૦૦ જેટલા આતંકીઓને ઠાર માર્યા છે અથવા તો પકડી લીધા છે.હાલ પણ અહીં અનેક આતંકીઓ સક્રિય છે.