સુરત, 08 જૂન : કોરોનાની મહામારીમાં સુરત શહેરની આમ જનતા હિતમાં છેલ્લા 3 માસના લાઈટ બિલ,પાણી બિલ,વેરા બિલ અને 6 માસની સ્કૂલ ફી માફીની માંગ સાથે સોમવારે કોંગ્રસના નગરસેવકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
નગરસેવકોએ જિલ્લા કલેક્ટરને સંબોધીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વ,દેશ અને રાજ્ય નોવેલ કોરોના વાયરસથી પ્રભાવિત છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉંન લાગુ કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.આ લોકડાઉનમાં જનતા ત્રસ્ત થઇ છે.આ મહામારી દરમિયાન સમગ્ર દેશમાં ઉદ્યોગ-ધંધા અને રોજગાર બંધ હોય લોકોની હાલત કફોડી થઇ ગઈ છે.ત્યારે સુરત શહેરમાં રહેતા લોકોની હાલમાં વેરા ભરવા માટે તેમની યોગ્ય પરિસ્થિતિ ન હોય અને લોકોને ઘરોમાં જ રહેવું પડતું હોય ત્યારે આપ માનવીય અભિગમ દાખવી સુરત શહેરની આમજનતાના હિતને ધાયનમાં લઈને છેલ્લા 3 માસના લાઈટ બિલ,પાણી બિલ અને વેરા બિલ માફ કરાવવા તેમજ 6 માસની શૈક્ષણિક ફી માફ કરાવવા યોગ્ય કાર્યવાહી કરશો તેવી આશા.આવેદન આપતા સમયે કોંગ્રસના નગરસેવક ધીરુભાઈ લાઠીયા અને દિનેશભાઇ સાવલિયાએ આવેદનની સાથે સાથે પુણા વિસ્તારની 52 સોસાયટીના આવેદનપત્ર પણ આ માંગ સાથેના સોંપ્યા હતા.