ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના એક ખેતરમાંથી ૧૫ ગાયોના મૃતદેહ મળી આવ્યા છે.કેરળમાં હાથણીના અપમૃત્યુનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં બાંદામાં એક સાથે ૧૫ ગાયોનાં મોતથી ભૂકંપ આવી ગયો છે.આ બનાવની માહિતી મળતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગાયોના પાર્થિવ દેહના પોસ્ટમૉર્ટમ માટે વ્યવસ્થા કરી હતી.જો કે હજી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યો નથી.બાંદા જિલ્લા વહીવટી તંત્રે ગાયોના ખાવામાં ઝેરી ઘાસ આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.તંત્રે ગાયોના પાર્થિવ દેહને જમીનમાં દફનાવી દીધા છે.બાંદા જિલ્લાના અતરો તાલુકાના બિસંડા ગામે એક સાથે ૧૫-૧૫ ગાયોના અપમૃત્યુથી બધા જ હેરાન-પરેશાન થઈ ગયા છે.ઉપ જિલ્લાધિકારી જે.પી. યાદવે કહ્યું કે ૧૫ ગાયોનાં મોતની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચીને રાજ્યના મુખ્ય પશુ ચિકિત્સાધિકારીને બોલાવાયા,એમણે ગાયોના પાર્થિવ દેહનું પોસ્ટમૉર્ટમ કર્યું, જેનો રિપોર્ટ હજી મળ્યો નથી.
જે. પી. યાદવે કહ્યું કે પ્રથમ નજરે એવું લાગે છે કે ગાયો જે ખેતરમાં મૃત મળી આવી છે એ ત્યાં ચારો ચરવા ગઈ હતી.ડૉક્ટરો અને ગ્રામજનોના મતાનુસાર ગાયોનાં મોત ઝેરયુક્ત ઘાસચારો ખાવાથી થયા છે.જેનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળતાં જ મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે.અગાઉ ગયા વર્ષે બાંદામાં ભૂખ અને ઠંડીના લીધે તબિયત બગડતાં ૫૫ ગાયોનાં મોત થયાં હતાં.એ વખતે સરકારી ગૌશાળાના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.