ઈસ્લામાબાદ: કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનમાં હાલ એક મોટું સેક્સ સ્કેન્ડલ ચર્ચામાં છે.જેમાં એક પૂર્વ પ્રધાનમંત્રી સહિત 3 મોટા નેતાઓ પર આરોપ લાગ્યા છે. ઈસ્લામાબાદમાં રહેતી અમેરિકી બ્લોગર સિન્થિયા રિચીનું કહેવું છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના 3 નેતાઓએ તેમનું શારીરિક શોષણ કર્યું હતું.
રિચીએ ફેસબુક લાઈવ સેશન દરમિયાન આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે 2011માં તત્કાલિન ગૃહ મંત્રી રહેમાન મલિક બળાત્કાર કર્યો હતો.આ ઘટના ત્યારે ઘટી જ્યારે તેઓ મલિકના ઘરે હતાં અને તેમના ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવી દેવાયો હતો.તેમણે પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાની ઉપર પણ આરોપ લગાવ્યો.આ સાથે પૂર્વ ફેડરલ મંત્રી મખદૂમ શહાબુદ્દીન પણ આવા જ આરોપોનો સામનો કરી રહ્યાં છે.રિચીનું કહેવું છે કે તેમનું શારીરિક શોષણ કરનારાઓમાં ફક્ત આ 3 નેતાઓ જ નહીં પરંતુ પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના કેટલાક નેતાઓ પણ સામેલ હતાં જેમણે તેમનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.
નવ વર્ષ બાદ આ ખુલાસો કેમ?
હવે સવાલ એ ઉઠે છે કે આખરે નવ વર્ષ જૂની ઘટના હવે કેમ બહાર આવી? સિન્થિયા રિચીએ તે વખતે આ બધા સામે અવાજ કેમ ન ઉઠાવ્યો? શું તેઓ કોઈ ખાસ સમયની રાહ જોઈ રહ્યાં હતાં? આ સમગ્ર મામલાની શરૂઆત એક રીતે મે મહિનાના અંતમાં થઈ.જ્યારે રિચીએ આરોપ લગાવ્યો કે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભૂટ્ટોએ પોતાના ગાર્ડોને તેમના પતિ સાથે જે મહિલાઓના સંબંધ હતાં તેમના પર બળાત્કાર ગુજારવાના આદેશ આપ્યા હતાં. ત્યારબાદ PPPએ રિચી વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો અને એક અઠવાડિયા બાદ રિચીએ પીપીપી નેતાઓ પર મારપીટ અને બળાત્કારના આરોપો લગાવીને હડકંપ મચાવી દીધો.
કોઈ દેશદ્રોહી કહી તો કોઈએ જાસૂસ
પાકિસ્તાનમાં અનેક લોકોએ અમેરિકી બ્લોગરના આ આરોપો પર સવાલો ઉઠાવતા કહ્યું કે તે સરકારની નીકટ છે અને ઈમરાન ખાન તેનો ઉપયોગ દેશના સ્વાસ્થ્ય અને આર્થિક સંકટથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યાં છે.કેટલાક લોકો એમ પણ સવાલ કરી રહ્યાં છે કે આખરે આટલું બધુ થવા છતાં તે આટલા વર્ષોથી પાકિસ્તાનમાં કેવી રીતે રહે છે? જ્યારે કેટલાક લોકોની નજરમાં તે CIAની જાસૂસ છે.
ઈમરાન ખાનને મળ્યું રાજકીય ટૂલ?
સોશિયલ મીડિયા પર વરિષ્ઠ સૈન્ય નેતાઓ સાથે રિચીની તસવીરો શેર થઈ રહી છે. બ્લોગરનું કહેવું છે કે તેમણે 2011માં અમેરિકી દૂતાવાસને બળાત્કારની ઘટના અંગે જણાવ્યું હતું પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું.ટ્વીટર પર રિચીને દેશદ્રોહી અને પાકિસ્તાન વિરોધી ગણાવવામાં આવી રહ્યાં છે.આ અંગે 100 ટકા દાવાથી કશું કહી શકાય નહીં પરંતુ આ સ્કેન્ડલે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પોતાના વિરોધીઓ વિરુદ્ધ એક રાજકીય ટૂલ લોન્ચ કરવાની તક જરૂર આપી છે. જો રિચીના આરોપ સાચા હશે તો તે પાકિસ્તાનના વ્હાઈટપોશ રાજકીય વર્ગના કાળા ચહેરાને ઉજાગર કરે છે.