વલસાડ, 09 જૂન : વલસાડમાં ગેમ રમવા અને જગ્યાને લઈ નજીવી બાબતે થયેલી બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કરતાં બે જુથ વચ્ચે મારપીટ થઈ હતી.જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથો વચ્ચે મોબાઈલ ગેમ રમવા બાબતે છુટા હાથની મારામારી થઈ હતી.જેમાં પાઇપ અને લાકડા ઉછળતાં બે વ્યકિતઓને ઇજા થઇ હતી.ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે આ બંને પક્ષે વલસાડ સિટી પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં આવેલી વેલકમ બેકની પાસે ગત મોડી રાત્રે મોબાઇલમાં લુડો ગેમ રમી રહેલા અમિત,અનિલ પટેલ અને તેના કેટલાક મિત્રોને અદનાન સાહિલ કાદરી નામના યુવકે ત્યાં બેસવાની ના પાડતા બોલાચાલી થઈ હતી.બાદમાં આ બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બન્ને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.મારપીટમાં લાકડા અને પાઈપો ઉછળતાં અદનાન સાહિલ કાદરી અને વિજય સુરેશ પટેલ આ બંનેને હાથ,પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બંને લોકોને વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જોકે આ બંને પક્ષે નજીવી બાબતે થયેલી મારામારીમાં વલસાડ સિટી પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બંનેની સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે,મોબાઈલ ગેમ રમવા જેવી સામાન્ય બાબત અને આ જગ્યા પર બેસવું નહીં એવું કહેતા નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે બન્ને પક્ષે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.