
વલસાડ,09 જૂન : સરીગામથી સરઈ જતા સ્ટેટ હાઇવે પર માંડા ખાતે સોમવારે સાંજે ઇકો કારના ચાલકે બે સ્કૂટર સવારને અડફટે લેતા ઇજાથી સ્થળ પર બેના મોત નિપજ્યા હતા.જ્યારે મહિલા સહિત અન્ય એકને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ઇકો કાર પલ્ટી મારતા કારમાંથી દારૂની બોટલ અને બિયરના ટીન સાથે પોલીસને લાકડી નજરે ચડી હતી.
સરીગામ જીઆઇડીસીથી સરઈ જતા સ્ટેટ હાઇવે પર માંડા ખંડવાઈ ખાતે ઇકોકાર નંબર GJ15CH – 6929 અને મોટર સાયકલ નંબર DN09 – 4635 અને GJ15OG – 0518 વચ્ચે ગમતખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઇકો કાર અને તેમાં બે થી વધુ વ્યક્તિઓ સવાર હતા.ઇકો કારમાંથી પોલીસની લાકડી મળી આવતા કારમાં પોલીસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સવાર હોવાનું જણાય રહ્યું છે.કારમાંથી બિયર અને દારૂની બોટલ નજરે ચડી હતી.કાર ચાલક નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઇકો કાર ચાલકે ઓવરટેકની લ્હાયમાં સરઈ તરફથી આવતા સ્કૂટર સવારને અડફટે લેતા ચાલક પ્રવીણભાઈ ગણેશભાઈ પાગી (રહે. સરીગામ, પાગીપાડા) અને ભાણેજ સાગરનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જયારે સરસ્વતી પ્રવીણભાઈ પાગીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભીલાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની ઘટનાની જાણ ભીલાડ પોલીસને થતા ભીલાડના પીએસઆઇ ભાદરકા,એ.ડી.મિયાત્રા સહિત 20થી વધુ પોલીસ જવાન ઘટના સ્થળ પર પહોંચી માર્ગને ખુલ્લો કર્યો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી.અકસ્માત સ્થળે સેંકડો યુવાનો પહોંચી ગયા હતા.ભીલાડ પોલીસે મુતકોને પીએમ માટે ભીલાડ સરકારી હોસ્પીટલમાં ખસેડયા હતાં.જયારે ઇકોકારને પોલીસ સ્ટેશન લઇ જવાય હતી.અકસ્માત બાદ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
મૃતક સરઈ સંબંધીની ત્યાં ગયો હતો
મૃતક પ્રવીણ પાગી તેમની પત્ની સરસ્વતીબેન તથા ભાણેજ સરઈથી બાઇક પર પરત સરીગામ તરફ આવી રહ્યા હતા. જેમને કાર ચાલકે ટક્કર મારતા ત્રણે વ્યક્તિને ફેંકી દીધા હતા. પ્રવીણભાઈની લાશ રોડ કિનારે લગાવેલ રેલિંગની બહાર પડી હતી. જ્યારે બાળકની લાશ રોડ કિનારે પડી હતી.