વલસાડ,11 જૂન : વલસાડ નગરપાલિકાના જૂના ડ્રેનેજ પ્લાન્ટનો ભંગાર 2.33 લાખમાં વેચાણે આપ્યા બાદ 8 માસથી તેનું ચૂકવણું ન થવાના પ્રકરણમાં ગેરરીતિની ઉઠેલી આશંકા વચ્ચે પાલિકાના સીઓ દ્વારા ડ્રેનેજ ઇજનેરને શોકોઝ નોટિસ જારી કરી 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.જેમાં ભંગાર કોને અપાયો છે અને કેટલું વજન હતું,વજનકાંટા પર રૂબરૂ રહી નોંધ કરાઇ હતી કે કેમ તેવી અનેક વિગતો સીઓ સમક્ષ રજૂ કરવાની તાકીદ કરાતાં ભંગાર પ્રકરણમાં ગરમાટો વ્યાપી ગયો છે.એજન્સીએે 2.33 લાખનો ભંગાર ઉપાડી લીધા બાદ છેલ્લા 8 માસથી પાલિકામાં નાણાં જમા ન કરાવ્યા.
વલસાડ પાલિકાના પારડીસાંઢપોર ગામની સીમમાં આવેલા વર્ષો જૂના જર્જરિત ડ્રેનેજ પ્લાન્ટનો ભંગારનો નિકાલ કરવા ડ્રેનેજ શાખા દ્વારા 8 જૂન 2019ના રોજ દૈનિક અખબારમાં નિવિદા બહાર પાડી ભાવો મગાવવામાં આવ્યા હતા.જે પૈકી સૌથી ઉચો ભાવ ભરનાર પાર્ટી આમીર ટ્રેડર્સ,વાપીને 7 ઓકટોબર 2019નાં રોજ ડ્રેનેજ સમિતિના ઠરાવથી મંજૂર કર્યા બાદ 14 નવેમ્બર 2019ના રોજ વર્ક ઓર્ડર ઇસ્યુ કરાયો હતો.આ સમગ્ર કામગીરી માટે ડ્રેનેજ શાખાના ઇજનેર કેયુર રાઠોડ દેખરેખ રાખી રહ્યા હતા.દરમિયાન એજન્સીએે 2.33 લાખનો ભંગાર ઉપાડી લીધા બાદ છેલ્લા 8 માસથી પાલિકામાં નાણાં જમા ન કરાવતાં આ મામલે ગેરરીતિ થઇ હોવાનો મુદ્દો બહાર આવ્યો હતો.જેમાં સર્જાયેલા વિવાદી પ્રકરણમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન રાજેશ રાઠોડ અને પાલિકાના વોર્ડ નં.7ના મહિલા સભ્યના પતિ સાજિદ (શેરૂ) શેખના નામ ઉછળતાં મામલો વધુ ઘેરો બન્યો હતો.
ડ્રેનેજ ઇજનેરે લાંબા સમયથી ભંગારના નાણાં પાલિકામાં જમા ન થવા છતાં સીઓ કે પ્રમુખને જાણ સુધ્ધાં કરી ન હોવાનું સપાટી પર આવ્યું હતું.આ વિવાદ વચ્ચે ઇજનેરે પોાલિકાને કરેલા રિપોર્ટમાં ભંગાર બાબતની જાણ પાલિકાના અધિકારી પદાધિકારીને કરાઇ હતી તેવું જણાવી દેતાં પ્રકરણમાં ભંગાર વેચાણની સમગ્ર પ્રક્રિયા અને તેનો જથ્થો કેટલો હતો તેની વિગતો રજૂ કરવા સીઓ જે.યુ.વસાવાએ ઇજનેર કેયુર રાઠોડને શોકોઝ નોટિસ જારી કરી છે.જેમાં એજન્સીને સોંપાયેલા ભંગારનો નિકાલ કરવા જથ્થો વાહનમાં ભરીને વે બ્રિજ સુધીની તમામ તલસ્પર્શી માહિતીઓ દિન 7માં રૂબરૂ પૂરાવા સાથે રજૂ કરવા કડક તાકીદ કરવામાં આવી છે.