એક દિવસ પહેલા જ રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ(Police) કમિશનરોને પરિપત્ર આપીને રાત્રીના સમયગાળા દરમિયાન કર્ફ્યુનો(Curfew) કડક અમલ કરાવવા માટેની સૂચના આપી છે. પરંતુ શહેરીજનો છે કે,પોલીસના જાહેરનામાના ધજાગરા ઉડાડી રહી છે કર્ફ્યુના(Curfew) સમયગાળા દરમિયાન અમરોલી, કતારગામ,વરાછા,રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં રાત્રે નવ વાગ્યા પછી પણ રેસ્ટોરન્ટ(Restaurants) ધમધમી રહી છે અને સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.આ બાબતે પોલીસ કડક અમલવારી કરે તે જરૂરી છે.
લોકડાઉન(Lockdown) પુરુ થયા બાદ હવે અનલોક-1 શરૂ થયું છે. જેમાં રાત્રે નવ વાગ્યા બાદ દુકાનો ચાલુ રાખવા પર પ્રતિબંધ છે અને રાત્રે શહેરમાં કરફ્યુ લાગી જાય છે.જોકે,આ જાણતા હોવા છતાં રાંદેર ક્રોઝ-વે રોડ પર આવેલા રોયલ હેરિટેઝની સામે આવેલી સોલ્ટ એન્ડ પેપર નામની હોટલ(Hotel) ચાલુ હતી. પોલીસે તપાસ કરતા હોટલના માલિક ઇમરાન સફી શેખ (રહે, કૃષિકા એપાર્ટમેન્ટ રામનગર રાંદેર) એ પોતાની હોટલ ચાલુ રાખી હતી તેમજ મોઢા પર માસ્ક પણ બાંધ્યું ન હતું.આ અંગે જાણ થતા રાંદેર પોલીસે હોટલ બંધ કરાવી માલિકની ધરપકડ કરી છે.આ ઉપરાંત અમરોલી સહિતના વિસ્તારોમાં પણ મોડી રાત્રી બાદ હોટેલોમાં ચાલુ હોય છે અને લોકોને પાર્સલની સુવિધા અપાય છે. જો આવું જ રહ્યું તો લોકલ ટ્રાન્સમીશન વધવાની પુરેપુરી શક્યતા છે.
મનપા કમિશનરની માસ્ક પહેરવા લોકોને અપીલ
સુરત શહેરમાં સતત વધી રહેલા કેસને પગલે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. ખાસ કરીને શહેરના જે વિસ્તારો ક્લસ્ટર જાહેર કરાયા છે. ત્યાં લોકો માસ્ક પહેરવાનું 100 ટકા પાલન કરે તે ખુબ જરૂરી છે. માસ્ક જ હાલમાં કોરોનાને હરાવવા માટેનું બ્રહ્માસ્ત્ર છે અને લોકો જો 100 ટકા માસ્ક પહેરવાનું રાખશે તો ચોક્કસ કોરોનાને માત આપવામાં સફળતા મળશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. તેમજ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોમવારે શહેરમાં 64 પોઝીટીવ દર્દી નોંધાયા હતા.અને પોઝીટીવ દર્દીનો કુલ આંક 2678 પર પહોંચ્યો છે. અને પોઝીટીવીટી રેટ 10 ટકા થયો છે.તેમજ 2 મોત સાથે મોતનો કુલ આંક 107 અને ડેથ રેટ 4 ટકા પર પહોંચ્યો છે.તેમજ સોમવારે શહેરમાંથી વધુ 65 લોકો ડિસ્ચાર્જ થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 1840 લોકો ડિસ્ચાર્જ થયા છે.અને રીકવરી રેટ 69 ટકા પર પહોંચ્યો છે.