સુરતમાં વિદ્યાર્થી રક્ષા સમિતિએ કુલપતિને આપ્યું આવેદન

290

સુરત,16 જૂન : રાજ્યના શિક્ષણ વિભાગ અને યુનિવર્સીટીએ જાહેર કરેલા પરીક્ષાલક્ષી નિર્ણય પર ફેરવિચારણા કરવાની માંગ સાથે વિદ્યાર્થી રક્ષા સમિતિએ સોમવારે વીએનએસજીયુના કુલપતિને આવેદન આપ્યું. આવેદનમાં સમિતિના અગ્રણીઓએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે થોડા દિવસ પૂર્વે રાજ્ય સરકારે પરીક્ષાલક્ષી ગાઇડલાઇન જાહેર કરી છે પરંતુ અમુક મુદ્દે ફેરવિચારણા કરવાની જરુરુ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય આવકારદાયક છે પરંતુ, આ પરિસ્થિતિમાં સેમેસ્ટર-6ની પરીક્ષા લેવી કેટલી યોગ્ય ? અમુક કોલેજો કન્ટેનમેન્ટ ઝોનમાં છે ત્યાં વિદ્યાર્થીઓ જાનના જોખમે પરીક્ષા આપવા જાય તે કેટલું યોગ્ય ? અમુક વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવે છે તેઓ કોરોના કેરિયર બને તેના માટે કોણ જવાબદાર ? યુનિવર્સીટી કે ગુજરાત સરકાર. બધી કોલેજો પાસે શું સેનિટાઇઝેશનની પૂરતી સુવિધા છે? જો હા તો બધા વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝ કરી શકાશે ખરા ? બાજુમાં બેસેલા વિદ્યાર્થીને કોરોના તો નથી ને ? આ ડર વિદ્યાર્થીને શાંત મને પરીક્ષા આપવા દેશે ? ઉદાહરણ રૂપે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી આર.વી.પટેલ કોલેજ જે વિસ્તારમાં છે તેને સરકારે કોરોના ગ્રસ્ત જાહેર કરેલ છે તો આવા વિસ્તારમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવવી એટલે વિદ્યાર્થીઓને ખાડામાં નાખવા જેવું ગણી શકાય.એ.ટી.કે.ટી.ના વિદ્યાર્થીઓને અમુક શરતોને આધીન માસ પ્રમોશન આપવામાં આવે તેમનો અભ્યાસ પણ ન બગડે . આમ, અનેકવિધ માંગણીઓ સાથે યુનિવર્સીટીને રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા છે.

Share Now