નવી દિલ્હી તા.16 : કોવિડ-19ના કેસો જે રાજયોમાં વધી રહ્યા છે ત્યાં મૃત્યુદર ઓછો રહે તેવું નરેન્દ્ર મોદી સરકાર ઈચ્છી રહી છે.ટોચના સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આક્રમક ટેસ્ટીંગ, ડોર-ટુ-ડોર સર્વે અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુદ્દઢ બનાવવા સાથે મૃત્યુદર ઓછો રાખવા વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે.આ માટે વિગતવાર એકશન પ્લાન તૈયાર થઈ ચૂકયો છે.વડાપ્રધાન આ મુદો આજે અને આવતીકાલે મળનારી મુખ્યપ્રધાનોની બેઠકમાં પણ ઉઠાવે તેવી શકયતા છે.
ભારતમાં કોરોનાનો સરેરાશ મૃત્યુદર 2.9 છે,જયારે વૈશ્ર્વિક દર 5.4 છે. સરકારને એ વાતની ચિંતા છે કે 80% મૃત્યુ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ એમ પાંચ રાજયોમાં થયા છે.દેશમાં 65 ટકા જિલ્લામાં મૃત્યુદર 5%થી વધુ છે.એમાંના 19 જિલ્લા મધ્યપ્રદેશમાં અને 11 જિલ્લા ગુજરાતમાં છે. એ પછી મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશમાં 10-10 આવા જિલ્લા છે.
મધ્યપ્રદેશમાં માંડલા, સિહોર, ઉમરીયા અને છીંદવારામાં મૃત્યુદર 5%થી વધુ છે.ઉતરપ્રદેશના લલિતપુર,ઝાંસી,મેરઠ અને આગ્રા તથા મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ,ધૂડો અને ઔરંગાબાદમાં જયારે ગુજરાતના પોરબંદર,આણંદ અને અમદાવાદમાં મૃત્યુદર વધુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાને શનિવારે બોલાવેલી બેઠકમાં સીએફઆરની ચર્ચા થઈ હતી,આ બેઠકમાં એવો નિષ્કર્ષ રજુ થયો હતો કે રાજયોને આંકડા નહીં દબાવવા પ્રેરવા જોઈએ.કોરોના સામેની લડતમાં મુખ્ય ઉદેશ મૃત્યુદર નીચો રાખવાનો છે.
સરકારની નવી રણનીતિ ઈન્ફેકશન કર્વને સપાટ કરવાની નહીં,પણ મૃત્યુદર ઓછો રાખવાની અને વાયરસ સાથે જીવવાની છે,પોઝીટીવ કેસો ઝડપથી વધી રહ્યા હોવા છતાં સરકાર એન્ડ ટુ એન્ડ મેનેજમેન્ટ સાથે મૃત્યુદર ઓછો રાખવા માંગે છે.