નવી દિલ્હી, તા.18 જુન 2020, ગુરૂવાર
લદ્દાખ મોરચે ગલવાન ખીણમાં ચીનની દગાબાજીના કારણે ભારતના 20 સૈનિકો શહીદ થયા બાદ હવે ભારતે નક્કી કરી લીધુ છે કે, ફરી ચીને કોઈ ચાલબાજી કરી તો તેની તેને ભારે કિંમત ચુકવવી પડશે.એક અંગ્રેજી અખબારે સેનાના ટોચના સૂત્રોને ટાંકીને પ્રસિધ્ધ કરેલા અહેવાલ પ્રમાણે બોર્ડર પર શાંતિ રાખવા માટે ભારતની નીતિ હવે બદલાઈ ગઈ છે.ચીનની સેના માટે હવે જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભારતની સીમામાં ઘુસી આવવાનો વિકલ્પ ખતમ થઈ ચુક્યો છે.
ભારતે ચીન સાથેની આખી સરહદ પર યુધ્ધ જેવી સ્થિતિ હોય તે રીતે હવે સેના તૈનાત કરી દીધી છે.ખાસ કરીને ગલવાન, દોલત બેગ ઓલ્ડી, દેપસાન્ગ, ચુશુલ, પૂર્વી લદ્દાખના બીજા વિસ્તારોમાં જાણે ભારતની સેના યુધ્ધ જેવા એલર્ટ પર છે.પૂર્વ લદ્દાખમાં 15000 જવાનો સરહદથી અત્યંત નજીક છે.
સેનાના અને સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે આ સૈનિકો હટશે.ભારતની સરહદ સાથે કોઈ સમાધાન નહી થાય.ચીન લાંબા સમયથી આક્રમક વલણ અપનાવી રહ્યુ છે.ચીનના સૈનિકો ભારતની સરહદમાં અવાર નવાર ઘૂસી જાય છે અને ખોટા દાવા કરે છે.પણ હવે આ નહી ચાલે, હવે ચીને નુકસાન સહન કરવા માટે તૈયાર રહેવુ પડશે.
એવુ મનાય છે કે, બુધવારે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની બેઠક સહિત બીજી બેઠકોમાં આકરુ વલણ અપનાવવાનો મુદ્દો ચર્ચાયો છે.સરહદ વિસ્તારમાં હથિયારો સાથે નહી રાખવાના પ્રોટોકલ પર પણ હવે સેના વિચાર કરી રહી છે.કારણકે ચીનની સેનાએ દ્વીપક્ષીય સમાધાનનુ ઉલ્લંઘન કર્યુ છે.જેમાં બોર્ડર ડીફેન્સ કો ઓપરેશન એગ્રીમેન્ટ પણ સામેલ છે.