– ખાલી પુઠાના બોક્ષની આડમાં ગોવાથી આ વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો
બારડોલી : સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.એક ટ્રેલરમાં ખાલી પુઠાના બોક્ષની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી પિપોદરા ખાતે લાવવામાં આવ્યો હતો.પિપોદરા ગામે આવેલ એક ગોડાઉનમાં આ વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો તે સમયે ઓપરેશન ગૃપની ટીમે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે કુલ 66.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોવાના રમેશ સહિત 7 વ્યક્તિઓને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત રેંજની ઓપરેશન ગૃપની ટીમને બાતમી મળી હતી કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામની સીમમાં બ્લોક નંબર-402 પ્લોટ નંબર-63 વાળા ગોડાઉનની અંદર એક ટ્રેલરમાંથી કેટલાક વ્યક્તિઓ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યા છે. જેથી પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી રેડ દરમ્યાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર પાંચ વ્યક્તિઓ ચેતન ઉર્ફે ચેતારામ ધનારામ ઉર્ફે ધનરાજ પુરોહિત (મૂળ રહે, રાજસ્થાન, હાલ રહે,વલસાડ), નેમારામ ઉદારામ ઝાટ, નરેશ દુર્ગારામ બિશ્નોઈ (મૂળ રહે, રાજસ્થાન, હાલ રહે,વલસાડ), રામારામ ટીકારામ ઝાટ (રહે, વલસાડ), જેઠારામ દુર્ગારામ રબારી (રહે,વલસાડ) નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર નંબર આર.જે-07-જીબી-7550 તથા તેમાં ખાલી પુઠાના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 10,164 જેની કિંમત રૂ, 40.92 લાખ, એક મહેન્દ્રા પિકઅપ ગાડી નંબર ડી.એન-09-ક્યૂ-9249 તથા 9 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 66.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સોની પૂછતાછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી રમેશ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરના મહેશ તથા ઓલપાડના લવાછા ગામના દિપકે મંગાવ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો સંતાડવા માટે ગલબાજી પટેલે ગોડાઉન ભાડે અપાવ્યું હતું જેથી પોલીસે આ તમામને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.