કોરોના વાઇરસ : ફરીથી કેસનો રેકર્ડ, 24 કલાકમાં 14,516 પૉઝિટિવ નોંધાયા

525

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકર્ડ સંક્રમિત કેસ મળ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર,એક દિવસમાં 14,516 કેસ સામે આવ્યા છે અને 375 લોકોનાં મૃત્યુ થયાં છે.આ સાથે જ ભારતમાં કુલ સંક્રમણના કેસ વધીને 3,95,048 થઈ ગયા છે.આ સમયે ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 1,68,269 છે, જ્યારે 2,13,831 લોકો કોરોનાથી સાજા થયા છે.

– કોવિડ-19ને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 12,948 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોવિડના કેસ 26 હજારને પાર

ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 26 હજારને (26 હજાર 198) પાર કરી છે,જ્યારે મૃત્યુ આંક 1,619 ઉપર પહોંચ્યો છે.
શુક્રવારે 540 નવા દરદી નોંધાયા હતા,જ્યારે વધુ 27 મૃત્યુ થયા છે.રાજ્યમાં 6 હજાર 412 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 67 વૅન્ટિલેટર ઉપર છે.

ગુજરાતમાં 18 હજાર 167 (વધુ 340 સાજા થયા) પેશન્ટ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે.

4195 ઍક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યમાં ટોચ ઉપર છે.700 ઍક્ટિવ કેસ સાથે હીરાનગરી સુરત બીજાક્રમે,જ્યારે વડોદરા (588 કેસ) ત્રીજા ક્રમે છે.પાટનગર ગાંધીનગર 190 દરદી સારવાર હેઠળ છે.

અમદાવાદનો કોરોનાથી પ્રભાવિત વિસ્તાર

અમદાવાદ શહેરની ઝોનવાર સ્થિતિ જોઈએ તો શહેરના પશ્ચિમ ઝોનમાં હાલ સૌથી વધારે ઍક્ટિવ કેસો છે ત્યાર બાદના ક્રમે ઉત્તર ઝોન આવે છે.જેમાંથી સૌથી વધુ 811 (22.5 ટકા) ઍક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમાં છે.પશ્ચિમ ઝોનમાં પાલડી,વાસણા,આંબાવાડી,નવરંગપુરા,નારણપુરા,વાડજ,સાબરમતી,ચાંદખેડા,મોટેરા સહિતના વિસ્તારો આવે છે.

જ્યારે શહેરના બીજા નંબરના સૌથી અસરગ્રસ્ત ઉત્તર ઝોનમાં હાલ ઍક્ટિવ કેસો 713 (19.8 ટકા) છે.ઉત્તર ઝોનમાં શહેરના નરોડા રોડ,અસારવા,કુબેરનગર, સરદારનગર,નોબલનગર, મેઘાણીનગર, સેઇજપુર, ઇન્ડિયા કોલોની સહિતના વિસ્તારો આવે છે.ઍક્ટિવ કેસોની હાલની સંખ્યાની રીતે પૂર્વ ઝોન ત્રીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત ઝોન છે જ્યાં હાલ 653 (18.1 ટકા) ઍક્ટિવ કેસો છે.પૂર્વ ઝોનમાં રખિયાલ,બાપુનગર,અમરાઈવાડી,વસ્ત્રાલ,રામોલ,નિકોલ,ઓઢવ,ગોમતીપુર સહિતના વિસ્તારો આવે છે.શહેરનો સેન્ટ્રલ ઝોન કે જે એક સમયે શહેરમાં કોરોના વાઇરસના કેસોનું ઍપિસેન્ટર બન્યો હતો તે હવે હાલ શહેરના સૌથી ઓછા ઍક્ટિવ કેસો ધરાવતા ઝોનમાં છે.સેન્ટ્રલ ઝોનમાં હાલ 398 (11.0 ટકા) ઍક્ટિવ કેસો છે.સેન્ટ્રલ ઝોનમાં જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર ગણાતા વિસ્તારો જેવા કે કાલુપુર,દરિયાપુર,શાહપુર,ખાડિયા,રાયખંડ,જમાલપુર,દુધેશ્વર,માધુપુરા સહિતના વિસ્તારો આવે છે.અમદાવાદ શહેરમાં હાલ સૌથી ઔછા ઍક્ટિવ કેસો દક્ષિણ પશ્ચિમ (304 કેસો, 8.4 ટકા) અને ઉત્તર પશ્ચિમ ઝોન(315 કેસો, 8.7 ટકા)ના વિસ્તારોમાં છે.અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 17,285 છે. જ્યારે કે શહેરમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 1245 છે એમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પૉરેશનનું કોવિડ-19 ડૅશ બૉર્ડ બતાવે છે.

‘વર્ષાંત સુધીમાં કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ બનશે’

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધી કોરોના વાઇરસની રસીનાં હજારો ડોઝ ઉપલબ્ધ થઈ જશે જેનાથી ખૂબ જ અશક્ત અને અસરગ્રસ્ત લોકોને બચાવી શકાશે.કોરોના વાઇરસની કોઈપણ વૅક્સિન હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ WHOનાં વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે દુનિયાભરમાં નિષ્ણાતો 200થી વધુ સંભાવના ઉપર કામ કરી રહ્યા છે. લગભગ દસ વૅક્સિનની મનુષ્ય પર ટ્રાયલ ચાલી રહી છે.
“વૅક્સિન બનાવવી જટિલ કામ છે. એમાં અનેક પ્રકારની આશંકા પણ છે અને સારી વાતો પણ છે.આપણી પાસે અનેક વૅક્સિન છે.જો આપણે એકવાર નિષ્ફળ જઈએ, તો બીજી વાર પ્રયાસ કરીએ છીએ. ફરી નિષ્ફળ જઈએ છીએ તો પણ આશા છોડવી ના જોઈએ. આપણે હાર ન માની શકીએ.”
સ્વામીનાથનના કહેવા પ્રમાણે, જો બધું યોગ્ય રહ્યું તો આ વર્ષના અંત સુધી આપણને એક અથવા બે સફળ વૅક્સિન મળી જશે. વૅક્સિન સૌથી પહેલા અગ્ર ક્રમમાં કામ કરનારા કર્મીઓ જેમ કે ડૉક્ટર અને પછી એ દર્દીઓ જે ગંભીર રૂપથી બીમાર અને કમજોર છે તેમની આપવામાં આવશે.

એક જ દિવસમાં 13,500થી વધુ કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 13,586 કેસ નોંધાયા,જે એક દિવસની અંદર નોંધાયેલા સૌથી વધુ કેસ છે.પાછલા 24 કલાકમાં 336 દરદીઓનાં મૃત્યું નોંધાયાં છે.આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 12,573 થઈ ગયો છે,તો અત્યાર સુધીના કુલ સંક્રમિતોનો આંક હવે ત્રણ લાખ 80 હજાર 532 થઈ ગયો છે.સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 63 હજાર 248 છે. જ્યારે કે બે લાખ ચાર હજાર 711 દરદીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

સ્વાસ્થ્યકર્મીઓની સમયસર વેતન આપવાના આદેશ

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના દર્દીઓના ઇલાજમાં જોતારાયેલા ડૉક્ટર્સ તથા અન્ય સ્વાસ્થ્યકર્મીઓને સમયસર વેતન આપવાના આદેશ કર્યા છે.આ સાથ જ ચેતવણ આપી છે કે જો હૉસ્પિટલ અને સંબંધિત અધિકારી આદેશોનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદામાં સ્વાસ્થ્યકર્મીઓએ વેતન સહિતની બાબતો અંગે વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં ઍક્ટિવ કેસ છ હજારને પાર

ગુજરાતમાં કોરોનાના છ હજાર 239 ઍક્ટિવ કેસ છે,જેમાંથી 61 પેશન્ટ વૅન્ટિલેટર પર છે,જ્યારે 6,178 પેશન્ટ સામાન્ય અવસ્થામાં છે.ગત 24 કલાક દરમિયાન 510 નવા કેસ નોંધાયા,જેમાંથી 317 અમદાવાદમાં, 82 સુરતમાં,43 વડોદરામમાં અને ગાંધીનગરમાં 11 કેસ નોંધાયા હતા.ગત 24 કલાક દરમિયાન અમદાવાદમાં 22, સુરતમાં છ ઉપરાંત પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં કોરોનાને કારણે એક-એક મૃત્યુ થયાં હતાં.રાજ્યમાં કુલ મરણાંક 1592 ઉપર પહોંચ્યો છે.રાજ્યમાં કુલ 17 હજાર 829 પેશન્ટ ડિસ્ચાર્જ થયા છે, ગત 24 કલાક દરમિયાન 348 દરદીને રજા આપવામાં આવી હતી.

ગુજરાતનો કોરોનામુક્ત જિલ્લો

રાજ્ય સરકારના બુધવારે જાહેર થયેલા છેલ્લા આંકડા અનુસાર રાજ્યના આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણનો હાલ એક પણ ઍક્ટિવ કેસ નથી.ગુરુવારે પણ આ સ્થિતિ જળવાઈ રહેવા પામી હતી.આંકડા પ્રમાણે ડાંગમાં અત્યાર સુધી ચાર સંક્રમિતોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જેમાંથી બે સંક્રમિતો પાછલા મંગળવારે જ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે.ડાંગમાં અત્યાર સુધી કોવિડ-19નાં 1098 પરીક્ષણ થયાં છે જેમાં પાછલા 24 કલાકમાં 22 પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડાંગમાં હાલ 109 લોકો ક્વોરૅન્ટિનમાં છે.ઉલ્લેખનીય છે કે રાજ્યના સમગ્રપણે આદિવાસી જાહેર થયેલા જિલ્લા એટલે કે જ્યાં તમામ વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાઈ છે એવા ચાર જિલ્લા ડાંગ,તાપી,નર્મદા અને છોટાઉદેપુરમાં કોરોના વાઇરસના સંક્રમણથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.રાજયના મહદઅંશે આદિવાસી વિસ્તાર કહી શકાય એવા મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી દાહોદમાં પણ કોરોના વાઇરસથી કોઈનો જીવ ગયો નથી જ્યારે મહીસાગરમાં ૨ વ્યક્તિઓએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં કોરોના ટેસ્ટ હવે 2400 રૂપિયામાં

દિલ્હી સરકારે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીના ટેસ્ટની ફી 2400 રૂપિયા નક્કી કરી દીધી છે.અત્યાર સુધી આ ટેસ્ટ 4,500 રૂપિયામાં થતો હતો.દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આ જાણકારી આપી.
દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસ 47 હજારથી વધારે છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી સંક્રમણના કેસોની સંખ્યાને મામલે દિલ્હી દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.તો સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલી માહિતી પ્રમાણે કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડી કહ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીની હૉસ્પિટલોમાં વધારાનાં 500 વૅન્ટિલેટર અને 650 ઍમ્બ્યુલન્સ પુરી પાડશે.વધુમાં તેમણે કહ્યું કે દિલ્હીમાં 169 નવી સુવિધાઓ ખાતે રૅપિડ ઍન્ટિજેન મૅથડોલૉજી વડે છ લાખ કોવિડ-19ના ટેસ્ટ કરવાનું સરકારનું આયોજન છે.

આ વર્ષે નહીં યોજાય રથયાત્રા

સુપ્રીમ કોર્ટે આ વર્ષે પુરીમાં રથયાત્રા યોજવા અંગે મનાઈ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારીના સમયમાં આટલી સંખ્યામાં લોકોને એકઠા ન થવા દેવાય. નાગરિકોનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાના મામલાને ધ્યાને લેતાં આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી ન શકાય.આ પૈકી 1,60,384 ઍક્ટિવ કેસ છે અને 1,94,325 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 12,237 લોકોનાં મૃત્યુ થયાં છે.

‘કોરોના સામે ભારત લડશે અને જીતશે’ – નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું છે કે ભારત કોરોના વાઇરસના સંક્રમણની મહામારી સામે લડશે અને જીતશે.તેમણે એવું પણ કહ્યું કે આ મહામારીને અવસરમાં ફેરવવાનો વખત છે અને દેશને આત્મનિર્ભર બનાવવાની તક છે.આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલસાની 41 ખાણના કૉમર્શિયલ માઇનિંગ માટે હરાજીની જાહેરાત કરી.તેમણે કહ્યું હતું કે ભારત આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે અને એ દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.તેમણે એવું પણ કહ્યું હતું કે આ પગલાથી લાખો રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.

ડૅક્સામૅથાસન દવાથી ફાયદો થઈ રહ્યો છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એદોનહોમ ગેબ્રેયાસેસનું કહેવું છે કે દુનિયામાં કોવિડ-19ના 80 લાખથી વધારે કેસ નોંધાયા છે.જે પૈકી 85 હજાર કેસ શરૂઆતના દિવસોમાં જ આવી ગયા હતા, છેલ્લા બે મહિનામાં 60 લાખ જેટલા કેસ નોંધાયા છે.તેમણે જણાવ્યું કે અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 4.35 લાખ કરતાં વધારે મૃત્યુ થયાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.ગેબ્રેયાસેસે કોવિડ-19 સામેની જંગમાં મહત્ત્વપૂર્ણ મનાતી ડૅક્સામૅથાસન અંગે કહ્યું છે કે આ એક સામાન્ય સ્ટેરૉયડ છે, જેનાથી ગંભીર રીતે બીમાર લોકોને પણ ફાયદો થયો છે.તેમણે કહ્યું છે કે શરૂઆતની તપાસના આધારે WHOને મળેલી માહિતીમા જાણવા મળ્યું છે કે ઑક્સિજનની જે દર્દીઓને જરૂર છે એમનાં મોતનું જોખમ હાલ કરતાં પાંચમા ભાગનું રહી જાય છે.

અમદાવાદમાં ઍક્ટિવ કેસ ચાર હજાર

અમદાવાદમાં ઍક્ટિવ કેસની સંખ્યા ચાર હજારને પાર કરી 4,096 (330 નવા કેસ) ઉપર પહોંચી છે.આ સિવાય વધુ 22 મૃત્યુ સાથે જિલ્લાનો કુલ મરણાંક 1253ને પાર કરી ગયો છે. બુધવારે અમદાવાદ જિલ્લાના 223 દરદી સહિત, રાજ્યના કુલ 348 પેશન્ટને સારવાર બાદ રજા આપવામાં આવી.ઍક્ટિવ કેસની સંખ્યાની દૃષ્ટિએ સુરત (643) બીજા, વડોદરા (535) ત્રીજા અને ગાંધીનગર (191) ચોથા ક્રમે છે.બુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે, નવા 520 પેશન્ટ સાથે કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 6,149 (જેમાંથી 60 વૅન્ટિલેટર) ઉપર પહોંચી ગઈ છે.ઍક્ટિવ કેસની સંખ્યાની બાબતમાં ગુજરાત ભારતમાં ચોથાક્રમે છે. મહારાષ્ટ્ર (50 હજાર 57 કેસ), દિલ્હી (26 હજાર 351) અને તામિલનાડુ (20 હજાર 709) દેશમાં અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ક્રમે છે.

ગુજરાતના નાના શહેરોની સ્થિતિ

ગુજરાતનાં કેટલાંક નાનાં શહેરો-જિલ્લામાં પણ કોરોના વાઇરસથી મૃત્યુંના આંકડા ચિંતાજનક રીતે વધ્યા છે.અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી આ મહામારીને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે.તો અત્યાર સુધી મહેસાણામાં 10, પાટણમાં 9, બનાસકાંઠામાં 8 અને સાબરકાંઠામાં 7 લોકોના કોરોના વાઇરસ મહામારીમાં જીવ ગયા છે.પંચમહાલમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 15 સંક્રમિતોનાં મોત થયાં છે તો આણંદમાં કોરોના વાઇરસના 12 સંક્રમિતો દમ તોડી ચૂક્યા છે.ખેડા જિલ્લામાં 5 અને મહિસાગર જિલ્લામાં 2 લોકોનાં આ મહામારીમાં મોત થયાં છે. વડોદરામાં અત્યાર સુધી 45 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાટનગર ગાંધીનગરમાં કોરોના વાઇરસનાં 21 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે.ભાવનગરમાં 13 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે.જામનગર અને સુરેન્દ્રનગરમાં 3-3, પોરબંદર-બોટાદમાં 2-2, જ્યારે મોરબીમાં એક દરદીનું અત્યાર સુધી મોત થયું છે.રાજકોટમાં આ મહામારીથી અત્યાર સુધીનો મૃત્યુઆંક 5 છે.
સુરત પછી સૌથી વધુ મૃત્યુ ભરુચમાં નોંધાયા છે. અહીં 5 દરદીઓનાં મૃત્યુ થયાં છે.વલસાડમાં 3 અને નવસારીમાં 1 દરદીનું મૃત્યું નોંધાયું છે. સુરતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 106 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાના નવા 524 કેસ આવ્યા છે.જ્યારે 418 લોકો રિકવર થઈને ઘરે પરત ગયા છે.

ઉપરાંત રાજ્યમાં કુલ 28 લોકોનાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયાં છે.

524 કેસોમાં 332 કેસ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે, જ્યારે સુરતમાંથી 71, વડોદરામાંથી 41, ગાંધીનગરમાંથી 22, રાજકોટમાંથી 10, ભરૂચમાંથી 6 તથા પંચમહાલમાંથી 5 કેસ તથા બાકીના બીજા વિસ્તારોમાંથી આવ્યા છે.

ગુજરાતમાં કુલ 6004 ઍક્ટિવ કેસમાંથી 64 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5940 લોકોની સ્થિતિ સામાન્ય છે.

વડા પ્રધાનની મુખ્ય મંત્રીઓ સાથે બેઠક

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિને લઈને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી રહ્યા છે.વીડિયો કૉન્ફરન્સિંગ થકી યોજાઈ રહેલી આ બેઠકમાં 21 રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે રાજસ્થાનની સરહદ સીલ કરી દેવાઈ હતી અને પાસ વગરના વાહનોના પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં શરૂ થઈ ગયું?

સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે,છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11 હજાર કરતાં વધારે સંક્રમણના કેસ નોંધાયા છે.ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે અને ગુજરાત વધારે કેસો ધરાવતાં રાજ્યોમાં ચોથા ક્રમ પર છે.આવામાં પ્રશ્ન થાય છે કે શું ભારતમાં પણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો આવી પહોંચ્યો છે?આખરે કેવી રીતે થાય છે વાઇરસનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?

Share Now