25 કરોડ રૂપિયાનાં બે દુર્લભ રત્નો મળતાં ટાન્ઝાનિયાની ખાણનો માલિક માલામાલ

317

આફ્રિકાના ટાન્ઝાનિયાના ઉત્તર ભાગની હીરાની ખાણના માલિક સૈનીનીઉ લેઝરને લગભગ ૨૫ કરોડનાં બે દુર્લભ રત્નો મળતાં તે માલામાલ થઈ ગયો છે.એ ઘેરા જાંબલી રંગનાં બે રત્નો લગભગ કાંડાથી કોણી સુધીની લંબાઈનાં છે. એમાંથી એક રત્નનું વજન ૯.૨૭ કિલો અને બીજા રત્નનું વજન ૫.૧૦૩ કિલો છે. એ બે રત્નો ટાન્ઝાનિયામાં મળેલાં સૌથી મોટા કદનાં રત્નો ગણાય છે. ટાન્ઝનાઇટ નામના એ હીરા ફક્ત પૂર્વ આફ્રિકાના ઉત્તરીય પ્રાંતની હીરાની ખાણોમાં મળે છે. રત્નોની ખાણોના એ વિસ્તારમાંથી હીરા દાણચોરી દ્વારા અન્ય દેશો કે પ્રાંતોમાં લઈ જવાતા રોકવા માટે એ ક્ષેત્ર ફરતે દીવાલો બાંધવામાં આવી છે.બૅન્ક ઑફ ટાન્ઝાનિયાએ એ હીરા ખરીદ્યા છે. બૅન્ક તરફથી સૈનીનીઉ લેઝરને ચેક આપવાના પ્રસંગની તસવીરો સ્થાનિક ટેલિવિઝન પરથી પ્રસારિત કરવામાં આવી હતી.એ પ્રસંગે ટાન્ઝાનિયાના પ્રમુખ જૉન મગુફુલીએ ફોન કરીને સૈનીનીઉ લેઝરને અભિનંદન આપ્યાં હતાં.રત્નોના એ પ્રદેશની એક નોંધપાત્ર અને દુખદ હકીકત એવી છે કે ત્યાં ઊપજતા ટાન્ઝનાઇટ હીરામાંથી ૪૦ ટકા હીરા ગુમ થઈ જાય છે એટલે કે એ હીરાનો લાભ સ્થાનિક સરકાર કે નાગરિકોને મળતો નથી.

Share Now